ગાંધીનગર: રાજયમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજના દરે (high interest rates) રૂપિયાનું (Money) ધિરાણ કરી ધાક ધમકી આપી લોકો પાસેથી હદ કરતાં બહારનું વ્યાજ વસૂલ કરવા પઠાણી ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણાં ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ સખતમાં સખત પગલા લેવામાં આવી રહયા છે.
સચિવાલયના ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ તંત્ર દ્વારા તા.૦૫ થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે કુલ ૮૪૭ ફરિયાદ દાખલ કરી ૧૪૮૧ આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી ૧૦૩૯ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે 27 વ્યાજખોરો સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ ૨૩૮૯ લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ ૧૪,૬૧૯ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તેમજ કુલ ૧,૨૯,૪૮૮ વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની અરજીઓ અને રજુઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.