2025ની નવરાત્રિ ગુજરાત માટે ‘હાઈટેક’ નવરાત્રિ બની છે! એસી કે વોટરપ્રુફ ડોમો, ઝાકઝમાળ રોશનીવાળા સ્ટેજોને લઈને નહીં પરંતુ અદ્યતન જાસૂસી ઉપકરણોને લઈને આ વખતે અમદાવાદ, વડોદરા, સુરત જેવાં મેટ્રો સીટીમાં ચિંતિત પુત્રીનાં માતા-પિતા, પતિ-પત્નીઓ અને પ્રેમીઓ એકબીજા ઉપર દેખરેખ રાખવા પ્રાઈવેટ ડિટેકટીવોને હાયર કર્યા છે. એટલું જ નહીં પરંતુ નાના અને પોર્ટેબલ જીપીએસ ડીવાઈસની પણ મદદ લઇ રહ્યાં છે, જે ગાડી, પર્સ કે ચણિયા ચોળીમાં આસાનીથી ફીટ કરી શકાય છે!
ચોક્કસપણે દરેક માતા પિતા એમની દીકરીઓ મોડે સુધી બહાર રહે તે માટે ચિંતિત હોય છે તો પછી એમની સોસાયટીઓમાં કે શેરી-મહોલ્લામાં જ દીકરીઓ ગરબા રમે એવો આગ્રહ કેમ ના રખાય? ધંધાદારી આયોજકોના ગરબાઓમાં લાજ-શરમ નેવે મૂકી, અંગ પ્રદર્શન થાય તેવાં કપડાંમાં બહેનો ગરબા ગાવા આવે છે. તો ઘણી વાર ગરબા ગાનાર પણ કઢંગાં વસ્ત્રો પહેરે છે! શું આ છે મા અંબાની આરાધના? હવે પરી હું મૈં, મુઝે ના છુનાએ લઇ લીધી છે! 2023માં ગુજરાતના ગરબાની યુનેસ્કો દ્વારા ઈન્ટેનજીબલ કલ્ચરલ હેરીટેજ તરીકે પસંદગી થઇ એ ગુજરાતના ગરબાને ધંધાદારી આયોજકોએ નવરાત્રિ મહોત્સવને બદલે ઘોંઘાટિયો ‘નૃત્ય મહોત્સવ’ બનાવી દીધો છે.
સુરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.