Vadodara

હાઈપ્રોફાઈલ રેપ કેસ : રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં જ્યુ. કસ્ટડીમાં ધકેલાયો

વડોદરા : શહેરના ચકચારી હાઈપ્રોફાઈલ ગોત્રી દુષ્કર્મ કેસમાં જુનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પુરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઉંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. ત્યારે અદાલતે આરોપીને બે વખત રિમાન્ડ મંજુર કર્યા બાદ આજે બળાત્કારી રાજુ ભટ્ટને જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. બુધવારે રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસે તેને અદાલતમાં રજુ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. બીજી તરફ ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા છે.

વડોદરા શહેરના ચકચારી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં આરોપી રાજુ ભટ્ટના કોર્ટે બે વખત રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે જુનાગઢ ખાતેથી રાજુ ભટ્ટની ધરપકડ કરી હતી. જે બાદ 30મી સપ્ટેમ્બરના રોજ તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જે બાદ તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચે કોર્ટેમાં વધુ રિમાન્ડ માટે માગણી કરતાં કહ્યું હતું કે કેટલાક મહત્વના પૂરવાની તાપસ બાકી છે જેને લઈને આરોપીના રિમાન્ડ જરૂરી છે. જે બાદ કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા.

રિમાન્ડ દરમિયાન સ્પાય કેમેરા, પીડિતા, કાનજી મોકરિયા અને અશોક જૈન સહિતના મુદ્દે રાજુ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી હતી. આજે આરોપી રાજુ ભટ્ટને પોલીસે ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.  તેમજ હાઈપ્રોફાઈલ રેપ કેસમાં કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો ફરાર આરોપી અશોક જૈનની શોધખોળ કરી રહી છે. જો કે એક તરફ અશોક જૈનની આગોતરા જામીન અરજી ની કાયદાકીય પ્રક્રીયા ચાલી રહી છે. ત્યારે પોલીસ અશોક જૈનની પણ શોધખોળ કરી રહી છે. પોલીસે તેના આશ્રયસ્થાનોની માહિતી મેળવીને તે રાજસ્થાન અથવા ઉત્તર પ્રદેશમાં હોવાનું જાણવા મળતાં પોલીસની બે ટીમોએ બંને રાજયોમાં ધામા નાખ્યા છે. અને વિવિધ જગ્યાએ આરોપીની તપાસ કરી રહી છે.

અલ્પુ સિંધીને શોધવા બે ટીમ ગુજરાત બહાર રવાના

સમગ્ર મામલામાં પિડીતાનો મિત્ર તરીકે ઉભરી આવેલ  બુટલગેર અલ્પુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું અને અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ 5 વ્યકતીઓના નામનું લીસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યારબાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાયરલ થઇ હતી. હાલ અલ્પુ 2 ગુનામાં વોન્ટેડ છે જેથી પોલીસ તેને શોધી રહી છે. જો કે બનાવના 18 દિવસ પછી પણ અલ્પુ સિંધી કયાં છે તેની માહિતી પોલીસને મળી શકી નથી. જેથી તેની શોધખોળ માટે પણ પોલીસની બે ટીમ ગુજરાત બહાર રવાના થઇ છે.

આરોપી અશોક જૈન હાજર થયો હોવાની અફવા

ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી અશોક જૈન પકડાઈ ગયો તેમજ હાજર થયક હોવાની ચર્ચા ચાલી હતી, જેથી એક તબક્કે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. હાલ એક આરોપી રાજુ ભટ્ટ જેલ હવાલે થયો છે. ત્યારે અશોક જૈન પકડાયો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે પોલીસે આ વાતનું ખંડન કરી અફવા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top