SURAT

સુરતના પોલીસ અધિકારીને હાઈકોર્ટનું તેડું, કૂતરું કરડવાના કેસમાં કર્યો હતો આવો ખેલ

સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં બાળકને કૂતરું કરડવાના કેસમાં પોલીસ અધિકારી બરોબરના ભેરવાયા છે. આ સામાન્ય કેસમાં ખેલ કરનાર પોલીસ અધિકારીને હાઈકોર્ટનું તેડું આવ્યું છે.

સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકને શ્વાન કરડવાનો કેસનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અહિં બે પરિવાર વચ્ચે શ્વાનના કરડવાના લઈને માથાકૂટની સાથે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં શ્વાનના માલિક બાદ બાળકના માતા પિતાની પણ ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સીધા પોલીસ સ્ટેશનની જગ્યાએ બાળકના માતા પિતાને કોર્ટમાંથી જામીન અપાવવામાં આવ્યાં હતાં. જેથી આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પટ ઓફ કોર્ટની ફરિયાદ બાળકના માતા પિતાએ કરી હતી. જેથી હાઈકોર્ટે અલથાણ પોલીસ સ્ટેશનના એએસઆઈને હાજર થવા નોટિસ પાઠવી છે.

જે બાળકને શ્વાન કરડયું તે બાળકના માતા ખુશ્બુ અને પિતા પ્રવિણકુમાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવાયું કે શ્વાનના માલિક દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ તેઓને જામીન પોલીસ સ્ટેશનમાં મળી જાય તેવા કેસમાં તમામ જામીનપાત્ર કલમો હોવા છતાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યાં હતા.

હાઈકોર્ટ દ્વારા ચાર્જશીટ પર સ્ટે મૂકવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં એક અવમાનનાની અરજીમાં જામીનપાત્ર કલમ હેઠળ પોલીસ સ્ટેશન દ્વારા જામીન નામંજૂર કરવા માટે હાઈકોર્ટે એએસઆઈ યોગેશ બાલુભાઈને નોટિસ આપી છે અને તેમને હાઈકોર્ટ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

માતા-પિતાએ અરજીમાં લખ્યું છે કે, 15 નવેમ્બરના રોજ એએસઆઈ વર્દીમાં ઘરે આવ્યાં હતાં. ત્યારે બંને બાળકો ઘરે એકલા હતા. બાળકોને ધમકીભર્યા શબ્દોમાં તેમના પિતા અને માતા વિશે પૂછ્યું હતું. સાથે કહ્યું કે, તેમને હવે ગાંધીનગર લઈ જવા પડશે.

તે જ દિવસે એએસઆઈએ એટલું દબાણ કર્યું કે, રાત્રે 11:00 વાગ્યે ખુશબૂ જોશીને અલથાણ પોલીસ સ્ટેશન બોલાવીને નોટિસ આપવામાં આવી હતી. પિતા સુરતની બહાર બેંકમાં નોકરી કરે છે. માતા તેના બે બાળકો સાથે સુરતમાં એકલી રહે છે. પોલીસના વર્તનથી આખો પરિવાર ખૂબ જ પરેશાન છે અને ડરી ગયો છે.

શું હતી સમગ્ર ઘટના?
અલથાણ વિસ્તારમાં આવેલા સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં 12માં માળે બે પરિવાર વચ્ચે બાળકને શ્વાને કરડતાં બબાલ મચી ગઈ હતી. બ્યૂટિશન તરીકે કામ કરતી મહિલાએ તેના ઘરમાં શ્વાન પાળ્યું હતું. આ શ્વાને તેની ગેરહાજરીમાં અચાનક ઘરમાંથી બહાર નીકળી પાડોશીના બાળકને બચકું ભરી લીધું હતું. જેથી બાળકના માતા પિતાએ હોબાળો મચાવવાની સાથે સાથે મહિલાના ભાઈને માર માર્યો હતો.

મહિલા આવી ત્યારે તેની છાતીએ હાથ મૂકી ધક્કા દઈ છેડતી કરી હતી. ઉપરાંત સોસાયટીના વોટસએપ ગ્રુપમાં પણ મહિલા વિષે અભદ્ર વાતો વહેતી કરી હતી.જેથી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ રીતે બન્ને પરિવાર દ્વારા સામ સામી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top