Business

ફરજિયાત રસીકરણની વિરુદ્ધમાં હાઈકોર્ટનો ચુકાદો

દેશભરમાં કોરોનાનું બીજું મોજું ઓસરી ગયું છે ત્યારે દરેક રાજ્ય સરકારો રસીકરણ પર જોર આપી રહી છે. ઘણા લોકો જેમ કોરોનાથી ડરે છે તેમ રસીથી ડરતા હોય છે, કારણ કે રસી લીધા પછી મરણ થવાના થોકબંધ કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે. જો લોકો રસી લેવાનો ઇનકાર કરે તો સરકારનું રસીકરણનું લક્ષ્યાંક પૂરું થાય તેમ નથી. આવું ન બને તે માટે વિવિધ રાજ્ય સરકારો રસીકરણને ફરજિયાત કરી રહી છે. ગુજરાત સરકારે પણ જાહેર કર્યું છે કે ૧૮ શહેરોમાં તા. ૩૦ જૂન સુધી જે વેપારી સંસ્થાનના સ્ટાફે રસી નહીં લીધી હોય તેમને ધંધો કરવા દેવામાં આવશે નહીં. કેટલાક વેપારીઓ સરકારના આ ફતવા વિરુદ્ધ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે ફરજિયાત રસીકરણની વિરુદ્ધમાં મેઘાલય હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો ગુજરાત માટે મહત્ત્વનો સાબિત થઈ શકે છે.

તાજેતરમાં શિલોંગના ડેપ્યુટી કમિશનરે આદેશ કર્યો હતો કે કોઈ પણ વેપારી કે રિક્ષાચાલક કોરોનાની રસી લીધા વિના પોતાનો ધંધો કરી નહીં શકે. આ ફતવા સામે મેઘાલય હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સુઓ મોટોએ પિટીશન ફાઈલ કરી હતી. ચીફ જસ્ટિસે જે ચુકાદો આપ્યો તેમાં ભારપૂર્વક કહ્યું હતું કે આરોગ્યના બહાને નાગરિકોના પોતાની આજીવિકા મેળવવાના અધિકાર પર તરાપ મારવાનો સરકારને કોઈ અધિકાર નથી. મેઘાલય હાઈ કોર્ટના ચુકાદાના મહત્ત્વના અંશો નીચે મુજબ છે :

(૧) આ કેસનો મુખ્ય મુદ્દો એ છે કે શું રસીકરણને ફરજિયાત કરી શકાય? શું તેમ કરવાથી નાગરિકોના પોતાની આજીવિકા રળવાના મૂળભૂત અધિકાર પર વિપરીત અસર નહીં થાય? બંધારણની ૨૧મી કલમમાં આરોગ્યના અધિકારને પણ મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે, જેમાં રસીકરણનો પણ સમાવેશ થઈ જાય છે. જો કે રસીકરણને ફરજિયાત કરવાથી જે હેતુ માટે તેને ફરજિયાત કરવામાં આવી છે તે કલ્યાણના હેતુનો જ ભંગ થાય છે. રસીકરણને ફરજિયાત કરવાથી નાગરિકના આજીવિકા રળવાના અધિકાર મૂળભૂત પર તરાપ આવે છે, જેનો સંબંધ તેની જિંદગી ટકાવી રાખવા સાથે છે.

(૨) આ કેસમાં નાગરિકોના એક વર્ગને તેમનો ધંધો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જે નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તે સ્વચ્છંદી, કઢંગું અને સત્તાના દુરુપયોગ સમાન છે. સરકાર ઉચિત કાનૂની પ્રક્રિયા કર્યા વિના કોઈ નાગરિકને તેના આજીવિકા મેળવવાના મૂળભૂત અધિકારથી વંચિત રાખી શકે નહીં. તે કાનૂની પ્રક્રિયા પણ ન્યાયી અને ઔચિત્યપૂર્ણ હોવી જોઈએ.

(૩) અત્યાર સુધી રસીકરણની સામાન્ય ઝુંબેશની બાબતમાં અને ખાસ કરીને કોરોના રસીકરણને બળજબરીપૂર્ણ કે ફરજિયાત બનાવવાની બાબતમાં સરકાર દ્વારા કોઈ કાયદો પસાર કરવામાં આવ્યો નથી. જો કોઈ કારણે નાગરિકોના આજીવિકા રળવાના મૂળભૂત અધિકારને ઝૂંટવી લેવાના સંયોગો સરકાર સમક્ષ ઉપસ્થિત થયા હોય તો તે માટે પણ કાયદો ઘડવો જરૂરી બની જાય છે.

(૪) ભારત સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ ખાતાની વેબસાઇટ પર કોરોના બાબતમાં વારંવાર પૂછાતા સવાલોના જવાબો આપવામાં આવ્યા છે. તેમાં ત્રીજા નંબરનો સવાલ છે કે ‘‘શું કોરોનાની રસી લેવી ફરજિયાત છે?’’ તેનો જવાબ આપતા કહેવામાં આવ્યું છે કે ‘‘રસીકરણ મરજિયાત છે. તેમ છતાં તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે રસી લેવાની સલાહ આપવામાં આવે છે.’’

(૫) આ સંદર્ભમાં ૧૦૭ વર્ષ પહેલાં ન્યુયોર્કની કોર્ટમાં સ્ક્લોન્ડ્રોફ વિરુદ્ધ સોસાયટી ઓફ ન્યુયોર્ક હોસ્પિટલના કેસનો ચુકાદો ઉલ્લેખનીય છે. ઇ.સ. ૧૯૧૪ના આ ચુકાદામાં જસ્ટિસ કાર્ડોઝોએ ઠરાવ્યું હતું કે ‘‘દરેક પુખ્ત ઉંમરની અને તંદુરસ્ત મગજ ધરાવતી વ્યક્તિને તેના શરીર સાથે શું કરવું? તે નક્કી કરવાનો અધિકાર છે.’’ આશરે ૩૦ વર્ષ અગાઉ એરેડેલ એન.એચ.એસ. ટ્રસ્ટ વિરુદ્ધ બ્લાંડના કેસમાં વિદ્વાન જજે ઠરાવ્યું હતું કે ‘‘જો કોઈ પુખ્ત ઉંમરની સક્ષમ વ્યક્તિ ફ્લુની વેક્સિન લેવા ન માગતી હોય તો તેને બળજબરીથી કે છેતરીને વેક્સિન આપવી તે ગુનો અને બદનક્ષી પણ બને છે.’’ આ રીતે વેક્સિનની શોધ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એક સદીથી પણ વધુના ઇતિહાસ દરમિયાન કોર્ટો દ્વારા બળજબરીથી રસીકરણની નિંદા કરવામાં આવી છે અને તેને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે.

(૬) સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનાં વૈજ્ઞાનિક અને તાત્ત્વિક પાસાંઓ બાબતમાં પણ ભારે ગૂંચવાડો પ્રવર્તે છે. એવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે કે એક વ્યક્તિના મૂળભૂત અધિકારનું બળજબરીથી પાલન કરાવવા જતાં બીજી વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ તો નથી થતો ને? અત્રે એવો સવાલ પણ ઉપસ્થિત થાય છે કે કોઈ વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારનો ભોગવટો કરવા ન ચાહતી હોય તો તેને બળજબરીથી તેમ કરવાની ફરજ પાડી શકાય ખરી? જો તેમ કરવામાં આવે તો તે વ્યક્તિના પ્રાઇવસીના અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના અધિકાર પર પણ તરાપ આવે છે. કોઈ વ્યક્તિના શરીરમાં તેની ઇચ્છા વિરુદ્ધ સોય મારવાથી તેના શરીરના સાર્વભૌમત્વનો પણ ભંગ થાય છે.

(૭) દરેક નાગરિકના રસી મેળવવાના અધિકારને કારણે તે વ્યક્તિના જીવન જીવવાના અધિકાર અને આજીવિકા રળવાના મૂળભૂત અધિકાર પર કોઈ સંયોગોમાં તરાપ આવવી જોઈએ નહીં, કારણ કે રસીકરણ અને આજીવિકા રળવાના પ્રતિબંધ વચ્ચે કોઇ કડી જોવા મળતી નથી. કાયદાની કલમોનું અને ન્યાયમાં તેમજ સમાનતાના સિદ્ધાંતોનું નિરીક્ષણ કરવામાં આવે તો બળજબરીથી કરતાં રસીકરણને કાયદાનો કોઈ  ટેકો ન હોવાથી મેઘાલય સરકારના ડેપ્યુટી કમિશનરો દ્વારા બહાર પાડવામાં આવેલા ફરજિયાત રસીકરણના આદેશોને મૂળમાંથી ગેરકાયદે જાહેર કરવામાં આવે છે.

Most Popular

To Top