કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો રીટ અરજીની સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આડે હાથે લેતાં કહ્યું હતું કે, જો હમણાં ઓક્સિજન, દવાઓ અને હોસ્પિટલમાં બેડની અછત છે, તો આગામી ત્રીજી વેવ માટે શું એક્શન પ્લાન છે ? તેવો વેધક સવાલ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને વેધક સવાલો કરતાં કહ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે કે કેમ ? કેન્દ્ર સરકાર પૂરતો જથ્થો આપી રહી છે ? આ તમામ બાબતોનું મોનિટરિંગ રાખવામાં આવે છે ? રોજનાં કેટલાં ઈન્જેક્શન મળી રહ્યાં છે? અને કેટલાં ઈન્જેક્શન પહોંચાડવામાં આવી રહ્યાં છે ? આ અંગે કોઈ ચોક્કસ પોલિસી નક્કી કરાઇ છે ? જો રોજના 16૦૦૦ જેટલાં રેમડેસિવિર ઉપલબ્ધ થાય છે, તો જરૂરિયાત 25000 રેમડેસિવિર ઇન્જેક્શનની છે, તો શું આ રીતે સરકાર દર્દીઓને મરવા દેશે ? આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને જવાબ આપવો પડશે.
બંને વચ્ચે કોઈ જ પ્રકારનું સંકલન હોય એવું ક્યાંય દેખાતું નથી.વધુમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ખખડાવતાં કહ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ છતાં હજુ પણ બેડની સાચી માહિતી મળતી નથી. હોસ્પિટલની બહાર મૂકવામાં આવેલાં બોર્ડ ઉપર બેડની માહિતી અપડેટ કરવામાં આવતી નથી. લોકોને ખાલી બેડ વિશે રિયલ ટાઈમ ડેટા મળતો નથી.
મેં જાતે 12 કલાક સુધી ચેક કર્યું છે, પરંતુ મનપાની કે સરકારી હોસ્પિટલની માહિતી અપડેટ થતી નથી. ટેસ્ટિંગને લઈને પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને વેધક પ્રશ્નો કર્યા હતા. ગામડાંમાં ટેસ્ટિંગ અંગે શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. કેટલા ટેસ્ટ થયા તે અંગેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. સરકાર શું કરી રહી છે, આમ માત્ર કાગળ ઉપર વાતો નહીં ચાલે. આ અંગે સરકારે વિગતવાર સોગંદનામું રજૂ કરવું પડશે.
આ ઉપરાંત હાઈકોર્ટના સિનિયર એડ્વોકેટ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, રાજ્યમાં મ્યુકરમાઈકોસિસને લઈ દર્દીઓમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. મ્યુકરમાઈકોસિસના રોગ સામેનાં ઇન્જેક્શનની મોટી અછત જોવા મળી રહી છે. દર્દીઓની સંખ્યાની સામે પૂરતાં ઇન્જેક્શન મળતાં નથી.
બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતને સૌથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો મળી રહ્યો છે. સાથોસાથ વેક્સિનેશન ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉંમર અને 45થી વધુ વયના લોકોનો વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, તેમજ મ્યુકરમાઈકોસિસની તમામ દવાઓનો જથ્થો મળી રહે, ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી રહે એ માટે પ્રયાસો કરી રહ્યા છે. ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે અને દર્દીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.