વડોદરા: સૂર્યનારાયણ હવે તેઓના અસલ મિજાજમાં આવી ગયા છે અને શહેરમાં ગરમીનો પારો સતત ઊંચે ચઢી રહ્યો છે. આજે સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો અને અંગ દઝાડતી ગરમીની અનુભતી જોવા મળી હતી.
તેના મધ્યાહને પહોંચ્યો છે ત્યારે મોડે મોડેથી શરુ થયેલી ગરમી હવે તેના અસલી મિજાજમાં આવી ગઈ છે. સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે. અને ધીમે ધીમે તાપમાનનો પારો સતત ઊંચે ચઢી રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું.
સવારે 10 કલાકથી જ ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. અને બપોરે સૂર્ય જયારે માથા ઉપર પહોંચે છે ત્યારે તો લોકો રીતસરના ઘરમાં કે ઓફિસોમાં બેસી રહેવા માટે મજબુર બને છે. સને 7 કલાક સુધી અસહ્ય ગરમીની અનુભૂતિ થઇ રહી છે. શહેરીજનો બપોરના સમયે બહાર નીકળવાનું લગભગ ટાળી રહ્યા છે. અને જેઓએ ન છૂટકે નીકળવું પડે તેઓ ગરમી સામે રક્ષણ આપતા કપડાં પહેરીને બહાર નીકળી રહ્યા છે. એક તરફ ચારે ઓર સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે તેના કારણે ગરમી અસહ્ય બની રહી છે. ગરમીનો પારો હજુ ઊંચે ચઢવાની પણ આગાહી કરવામાં આવી છે. અને ગરમીનો પારો આગામી દિવસમાં હજુ 2 થી 3 ડિગ્રી ઊંચે ચઢે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બપોરના સમયે તો પંખા, એ.સી. અને કુલર પણ જાણે અસર ન કરી રહ્યા હોય તેવી અનુભૂતિ થઇ રહી છે.
ઠંડા પીણા અને શેરડીના રસનું વેચાણ વધ્યું
ગરમીમાં વધારો થવાના કારણે ઠંડા પીણાંના વેચાણમાં અચાનક ઉછાળો આવ્યો છે. અને શહેરમાં ગત મહિના કરતા આ મહિને 30 ટકા જેટલું વેચાણ વધ્યું હોવાનું જાણવા મળ્યું છે. તો શેરડીના રસના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. રાત્રીના સમયે કોલ્ડ્રિંક્સની દુકાનો અને આઈસ્ક્રીમની હાટડીઓ ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન પણ લોકો શરીરને ઠંડક આપવા ઠંડા પીણાનો સતત ઉપયોગ કરી રહ્યા છે.
વાતાવરણમાં ઠંડક થતા રાતે લોકોની ભીડ
સમગ્ર દિવસ દરમિયાન ગરમીનો પારો ખુબ ઊંચો રહે છે ત્યારે જેમ જેમ સૂર્યાસ્ત થાય છે તેમ તેમ તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો રાત્રી દરમિયાન ટહેલવા નીકળી રહ્યા છે. અને રાતે અનેક વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળે છે. માર્ગો ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે તો ખાણીપીણીના બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. આઈસ્ક્રીમ, બરફના ગોળ સહિતની હાટડીઓ ઉપર લોકો ભીડ જમાવી રહ્યા છે.