Charchapatra

હાય રે મોંઘવારી હાય હાય મોંઘીદાટ મોતવારી

મોંઘવારીની ચિંતા આમલોક માટે ચિતા સજાવનારી હોવાથી એમની અડધી રાત્રે ઊંઘ ઉડી જાય છે. ડબલાં – ડૂબલી ઉઘરાવનારા, લારી-ફેરી કરનારા, પગરિક્ષા ચલાવનારા, પગરખા સાંધનારા, લિફાફા બનાવનારા, લેબાસના રંગરફૂ કરનારા, પેપર પ્લાસ્ટિક વીણનારા, છરીચપ્પાની ધાર કાઢનારા, રંગોળી વેચનારા, વાંસફોડિયા આદિ કંગાળ તથા મધ્યમ વર્ગ માટે મોંઘવારી પડતા પર પાટુ મારવા સમાન પૂરવાર થઇ રહી છે. દશ રૂપિયામાં અરધી ચાયની પ્યાલી અને પંદર રૂપિયામાં અડધી કોફીની કુલડી મળે છે. ઠેર ઠેર અલ્પાહારી વાનગીઓ ખવડાવતા લીરી – સ્ટોલ દુકાનવાળાઓ દ્વારા ફરીથી અગર વધુ ડુંગળી – મરચાં – કઢી – છીણ – રસો મંગાય તો એકસ્ટ્રા ચાર્જ વસૂલતા હોય છે.

મોંઘવારીના કારણે આમઓરત અને આમઆદમીની ઉત્સવોની ઉજવણી ફિકકીફસ થતી જાય છે અને શાસન પર ફિટકાર વરસાવતા જણાય છે. દેશના અર્થકારણ માટે બહુ ચિંતાનો વિષય પ્રવર્તમાન મોંઘવારી છે અને માહોલ વધારે બગડે નહીં એટલા માટે વ્યાજદરમાં વધારો કરવાનો તર્ક અપાયો છે. ભાવવધારો સીધી અને આડકતરી રીતે અન્ય સમસ્યાઓ પેદા કરવા માટે જવાબદાર છે. સરકાર મારફત ભાવવધારા માટે ચોકકસ કાયદાકાનૂનો બનાવ્યા હોવા છતાં કાળાબજારિયાઓ અને સંઘરાખોરો પર કડક – કડવાં પગલાં નહીં લેવાવાના લીધે પણ આમઆદમી – આમઓરત પર અસહ્ય ભીંસ વધતી જાય છે. મોંઘવારી નહીં રોકાય તો બહુજનસમુદાય પર ભાવવધારાનો કોરડો વીંઝાશે, આમલોકના મગજ છટકાવશે, સાધારણ નાગરિકો નકારાત્મક વિચારો તરફ ધકેલાશે અને એના પરિણામે સત્તાધારીઓને સિંહાસન પરથી ગબડાવશે.
અમદાવાદ          – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top