ગરીબ કી થાળી મેં પુલાવ આયા લગતા હૈ ચુનાવ આયા…
આ કટાક્ષ તમે ઘણી વખત સાંભળ્યો હશે પણ અત્યારે સ્થિતિ કંઈક વિપરીત છે! ગુજરાતમાં ચુનાવ માથા પર છે ત્યારે લાગે છે ગરીબની થાળીમાંથી રોટી ગાયબ થઈ જશે! જનરલી, ભારતમાં મોંઘવારીનું સૌથી મોટું માપદંડ પેટ્રોલની કિંમત છે. આ પછી ડીઝલ અને LPGનો નંબર આવે છે. ઈંધણના ભાવ વધે ત્યારે સ્વાભાવિક રીતે અન્ય વસ્તુઓના ભાવ વધે છે. જેમ જેમ ઈંધણના ભાવ વધે છે, સરકાર આંતરરાષ્ટ્રીય પરિબળોને જવાબદાર ઠેરવે છે કારણ કે ભારત આયાત પર નિર્ભર છે પરંતુ હવે એવી વસ્તુ મોંઘી થઈ ગઈ છે, જેનું ઉત્પાદન માત્ર ભારતમાં જ થાય છે અને પુષ્કળ પ્રમાણમાં થાય છે. જી, હા – લોટ એટલે કે આપણી થાળીની રોટી!!
મોંઘવારી હવે કારની ટાંકી દ્વારા છેક આપણી જમવાની થાળી સુધી પહોંચી ગઈ છે. ભારતના તમામ રાજ્યોના જાહેર વિતરણ વિભાગો કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયને લોટની કિંમત વિશે માહિતી મોકલતા રહે છે. જાન્યુઆરી 2010થી આ કવાયત ચાલી રહી છે. ત્યારથી લઈને આજ દિન સુધી લોટની કિંમતો આટલી ઉપર ક્યારેય ગઈ નથી. અલબત્ત, હેડલાઈન આ જ છે કે, છેલ્લાં 12 વર્ષમાં લોટની કિંમત સૌથી વધુ!!
એપ્રિલ 2022માં ભારતમાં સરેરાશ રૂ. 32.38ના ભાવે લોટ વેચાયો હતો. એક વર્ષ પહેલાં આ જ લોટ રૂ. 30.03 પ્રતિ કિલોના ભાવે મળતો હતો. મતલબ કે, 12 મહિનામાં લોટના ભાવમાં 9.15 %નો ઉછાળો થયો છે. આ 9%ના વધારામાંથી જાન્યુઆરી 2022 પછીના 4 મહિનામાં 5.81% નો વધારો થયો છે. આજે મુંબઈમાં લોટનો ભાવ રેકોર્ડ બ્રેકિંગ રૂ. 49 પ્રતિ કિલોના ભાવે વેચાયો છે. ઘઉંને લોટ બનાવવા માટે પીસવામાં આવે છે. ઈંધણની જેમ ભારત એક સમયે ઘઉં અને ચોખા માટે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર હતું કારણ કે ભારત ગરીબ દેશ હતો અને તેની વસ્તી વિશાળ હતી.
1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતમાં અનાજની અછત હતી. તે સમયે ભારત અમેરિકાથી ઘઉં મેળવતું હતું. એ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ લિન્ડન બી. જોહ્નસને ભારતને ઘઉંનો પુરવઠો રોકવાનો આદેશ આપ્યો ત્યારે ખાદ્ય કટોકટી વધુ ગંભીર બની હતી, જેથી ભારતને યુદ્ધવિરામ કરવાની ફરજ પડી શકે. લાલ બહાદુર શાસ્ત્રી તે સમયે ભારતના સૌથી શક્તિશાળી કાર્યાલયમાં વડા પ્રધાન તરીકે બેઠા હતા, પરંતુ સ્વભાવે ખૂબ જ નમ્ર હતા. આનો અર્થ એવો લેવાયો હતો કે અનાજની કટોકટી દરમિયાન અમેરિકાની ધમકી સાંભળતાની સાથે જ શાસ્ત્રીજી ઘૂંટણિયા ટેકવી દેશે પણ શાસ્ત્રીજીએ સમગ્ર દેશના નામે અપીલ જાહેર કરી, લખ્યું – ભારતનું સ્વાભિમાન જાળવી રાખવા માટે આપણે દેશ પાસે ઉપલબ્ધ અનાજ સાથે કામ ચલાવવું પડશે. આપણે કોઈ દેશ સામે હાથ ફેલાવી શકીએ નહીં.
જો આપણે કોઈ પણ દેશ દ્વારા અનાજની ઓફર સ્વીકારીએ તો તે દેશના સ્વાભિમાન પર ગંભીર ઠેસ પહોંચશે. એટલા માટે દેશવાસીઓએ અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવો જોઈએ. તેનાથી દેશમાં એટલું અનાજ બચશે કે જ્યાં સુધી આગામી પાક ન આવે ત્યાં સુધી દેશમાં અનાજની ઉપલબ્ધતા જળવાઈ રહેશે. પેટ પર રસ્સી બાંધો, લીલોતરી અને શાકભાજી વધુ ખાઓ, અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરો, દેશને માન આપો.
શાસ્ત્રીજીને ખબર હતી કે તે શું બોલે છે. જે દેશમાં કરોડો લોકો ભૂખમરાની આરે હતા, તે લોકોને ભૂખ્યા રહેવાનું કહેતા હતા. આ અપીલ કરતા પહેલાં શાસ્ત્રીજીએ પરિવારજનોને આખો દિવસ ઉપવાસ કરાવ્યા હતા. આ પછી તેમણે જઈને દેશવાસીઓ સામે પોતાની વાત મૂકી હતી. જો કે, એ વખતની વાત જુદી હતી. ત્યારથી લઈને મે 2022ની વચ્ચે એક મોટી ઘટના બની – હરિત ક્રાંતિ. ભારત માત્ર ઘઉં અને ચોખાના સંદર્ભમાં આત્મનિર્ભર બન્યું નથી પરંતુ તેની પાસે ઘઉંનો બમ્પર સ્ટોક પણ છે. આજે ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતને ઘઉં આપવાનો ઈન્કાર કરનાર અમેરિકા ચોથા નંબરે છે અને જો આપણે તેનો અંદાજ કાઢીએ તો ભારત દર વર્ષે અમેરિકા કરતાં ઓછામાં ઓછું બમણું ઉત્પાદન કરે છે.
ભારતે 2020-21માં 109.5 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કર્યું હતું. સરકારે આ વર્ષે ભારતમાં 1.58% વધુ ઘઉંની વૃદ્ધિની અપેક્ષા રાખી હતી – કુલ 111.33 મિલિયન ટન, પરંતુ મેના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના અંદાજને ઘટાડીને 100 મિલિયન ટન કરી નાખ્યો હતો! સરકારે તેનો અંદાજ ઘટાડવા પાછળનું કારણ પણ આપ્યું હતું. કહ્યું કે, ઉનાળો વહેલો આવી ગયો છે, તેના કારણે ઉપજને અસર થઈ શકે છે.
એ હકીકત છે કે અન્ય વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલમાં ગરમી ખૂબ જ ઝડપથી વધી હતી. આ ઘઉંનો પાક પાકવવાનો સમય છે. સમયની પહેલાં વધુ પડતી ગરમી ઘઉંના પાકની ગુણવત્તા અને જથ્થાને અસર કરે છે. આથી કેન્દ્ર સરકારે પણ તેના અંદાજમાં ઘટાડો કર્યો હતો પરંતુ તેમની પ્રેસ કોન્ફરન્સમાં પાંડેએ એમ પણ કહ્યું હતું કે, ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી. સરકાર ધારે તો નિકાસ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ભારતમાં ઘઉંનો પૂરતો સ્ટોક છે. પૂરતું ઉત્પાદન પણ થઈ રહ્યું છે અને તેથી જ ઘઉં દેશની બહાર મોકલી શકાય છે.
29 એપ્રિલ, 2022ના રોજ આઉટલુકમાં પ્રકાશિત કમાલિકા ઘોષના અહેવાલમાં જણાવાયું છે કે, ભારત હાલમાં 24000થી 25000 રૂપિયા પ્રતિ ટનના દરે ઘઉંની નિકાસ કરી રહ્યું છે. આ સરકાર દ્વારા આપવામાં આવતા 20,150 રૂપિયા પ્રતિ ટનના MSP કરતાં લગભગ 19% વધુ છે. તેથી તે સ્પષ્ટ છે કે શા માટે ઘઉંની નિકાસ નફાકારક સોદો છે.
ઘઉંની નિકાસ માટેનું વાતાવરણ પણ ઊભું થયું છે કારણ કે વિશ્વના ત્રીજા ક્રમના ઘઉં ઉત્પાદક રશિયા અને આઠમા ક્રમે ઘઉં ઉત્પાદક યુક્રેનની નિકાસ અટકી ગઈ છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઘઉંની ઘણી માગ છે પરંતુ આ આંતરરાષ્ટ્રીય માગને કારણે દેશમાં ઘઉં અને લોટના ભાવમાં વધારો થયો છે. ઘઉં અને લોટના ભાવમાં વધારા માટે ડીઝલના ભાવ પણ જવાબદાર છે કારણ કે પરિવહન માટે ડીઝલ જરૂરી છે. લોટ અથવા મેંદામાંથી બનેલી બ્રેડના કિસ્સામાં માર્ચ 2022માં ભાવવધારો 8.39% હતો. છેલ્લાં 7 વર્ષમાં સૌથી વધુ! આ કારણે બિસ્કિટ વગેરે જેવી બેકરી આઈટમ બનાવતી કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે.
ભારતમાં ખાનગી કંપનીઓ MSP કરતાં વધારે કિંમતે ઘઉંની ખરીદી કરી રહી છે. પરિણામે ઘઉંના ભાવ ભડકે બળી રહ્યા છે. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે, જો સરકારના ગોડાઉનમાં ઘઉંનો સંગ્રહ છે તો ઘઉં કે લોટને બજારમાં ઉતારીને કિંમતોને કાબૂમાં કરવાની કવાયત કેમ નથી થઈ રહી? ભણતી વખતે પુસ્તકમાં એક શબ્દ વાંચ્યો હશે – બફર સ્ટોક. દેશની ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અનાજને ગોડાઉનમાં રાખે છે. જેથી એકાદ-બે વર્ષ ચોમાસું નબળું જાય તો ભૂખમરાનો ભય રહે નહીં. સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને 74.6 લાખ ટન ઘઉંનો સ્ટોક રાખવા જણાવ્યું છે. 1 એપ્રિલ, 2022ના રોજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે 1 કરોડ 89 લાખ ટન ઘઉંનો સ્ટોક હતો. આની મદદથી સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ આપી રહી છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં લગભગ 80 કરોડ લોકોને આ અનાજ મળશે.
ઉપરાંત WTO જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના કરારોને કારણે સરકાર FCIના ગોડાઉનમાંથી સીધા ઘઉંને બજારમાં લાવી શકતી નથી. ઘઉંની નિકાસને લઈને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે, ભારતે ઘઉંની નિકાસ અંગે સાવચેત રહેવું જોઈએ. દેશ જે ઝડપે ઘઉંની નિકાસ કરી રહ્યો છે, તેના કારણે આવતા વર્ષે તે આપણા માટે કોઈ સમસ્યા ન ઊભી કરી દે. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં કહ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ઘઉંની વધતી માગને કારણે નાણાંકીય વર્ષ 2022-23માં દેશની ઘઉંની નિકાસ 10 મિલિયન ટનને પાર થવાની ધારણા છે. 2021-22માં ઘઉંની નિકાસ 70 લાખ ટન હતી, જ્યારે તેના એક વર્ષ પહેલાં એટલે કે 2020-21માં આ આંકડો માત્ર 21.55 લાખ ટન હતો. એટલે કે દર વર્ષે ભારત વૈશ્વિક બજારમાં ઘઉંનું વેચાણ વધારી રહ્યું છે. રશિયા- યુક્રેન કટોકટી પછી ભારતે એકલા ઇજિપ્તને 1 મિલિયન ટન ઘઉં વેચ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર હેઠળ કાર્યરત વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ પણ ઘઉંની વૈશ્વિક માગને પહોંચી વળવા માટે ભારત તરફ જોઈ રહ્યું છે.
જો કે, કૃષિ નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે, ઘઉંની નિકાસને લઈને હોબાળો કરવો યોગ્ય નથી. તે પણ જ્યારે સરકાર પાસે સરપ્લસ અનાજનો સ્ટોક છે. ખેડૂતોને માત્ર નિકાસથી ફાયદો થાય છે. અલબત્ત, અત્યારે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે, નિકાસ કરવી કે ન કરવી તે ચર્ચામાં આપણો લોટ મોંઘો થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ મોંઘવારી નાથવા સરકાર શું કરે છે? કારણ કે જો માત્ર લોટ જેવી મૂળભૂત વસ્તુ મોંઘી થશે તો તેની અસર દેશની દરેક વ્યક્તિના પોષણ પર પડશે. ખાસ કરીને તે લોકો, જેમના સુધી સરકારી રાશન નથી પહોંચી રહ્યું અથવા તે લોકો જેમને આ મદદ નથી મળી રહી. જ્યારે આપણે મોંઘો લોટ ખરીદવો પડી રહ્યો છે. હાલ આપણી થાળીમાંથી રોટલી ગાયબ ન થાય તેની ચિંતા ઊભી થઈ છે. આપણા બધાનું ફેવરિટ પાર્લેએ તો ભાવ નથી વધાર્યા, પણ બિસ્કિટનું પેકેટ વધુ નાનું કરી નાખ્યું છે.