Comments

હિઝબુલ્લા – હમાસ – ઈઝરાયલ હવે આરપારના મૂડમાં

હિઝબુલ્લા દ્વારા બાર વ્યૂહાત્મક સ્થળોને નેસ્તનાબૂદ કરવા માટે એક ચોક્કસ બ્લૂપ્રિન્ટ સાથે અત્યાર સુધીના અતિ ભીષણ યુદ્ધની તૈયારી કરી દેવામાં આવી છે. હમાસના નેતા હાનિયા અને હિઝબુલ્લાના શુકર જેવા બે ધુરંધર નેતાઓને ઇઝરાયલે અત્યંત કુનેહપૂર્વક અને ચોકસાઈ સાથેના હુમલામાં એક પછી એક મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટનાઓ બની ત્યારે જ ઇરાને વળતો હુમલો કરી એનો યોગ્ય તે જવાબ આપવાનું એલાન કર્યું હતું. ઇરાનને પણ આઠ-દસ દિવસનો સમય જોઈતો હતો, જેથી એ રશિયા પાસેથી અદ્યતન શસ્ત્રો મેળવી શકે.

પોતાનું રક્ષણ કરવાની સાથોસાથ અણુ ઇન્સ્ટોલેશનને સાચવવાની ગંભીર જવાબદારી પણ ઇરાનને શિરે છે. અધૂરામાં પૂરું હોય તેમ અમેરિકાએ જો ઇરાન કોઈ પણ પ્રકારનો હુમલો કરવાનું અડપલું કરશે તો એના અત્યંત માઠાં પરિણામો ભોગવવાં પડશે એવી ચીમકી આપી છે અને સાથોસાથ ખાડી વિસ્તારમાં બીજું એક યુદ્ધજહાજ મોકલી આપ્યું છે. દરમિયાનમાં રશિયા પાસેથી મદદનો પહેલો પુરવઠો ઇરાન સુધી પહોંચી ગયો છે અને ઇરાન તેમજ હિઝબુલ્લા યુદ્ધના ઉન્માદથી ખળભળી ઊઠ્યા છે. વિશ્વને અણુયુદ્ધના કિનારે લાવીને ઊભું રાખી દે તેવી ક્યૂબા પછીની આ બીજી કટોકટી છે અને એ કટોકટીનાં પરિણામો કલ્પી ન શકાય તેવા વિદ્વંસક આવી શકે છે.

ઇરાન સાથેનું આ યુદ્ધ યુરોપને પણ ધમરોળે તેવી શક્યતાઓ વચ્ચે બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ તેમજ જર્મની જેવાં અર્થતંત્રો બહુ મોટો માર ખાય અને તેની અસર સમગ્ર યુરોપની અર્થવ્યવસ્થાને થાય એટલું જ નહીં પણ એ અર્થવ્યવસ્થાને પાછી ઊભી કરતાં કેટલો સમય લાગે તેનો અંદાજ માંડવો પણ બહુ મુશ્કેલ છે. અત્યાર સુધી રશિયા-યુક્રેન તેમજ ઇઝરાયલ-હમાસ યુદ્ધોની અસર મર્યાદિત હતી. જ્યારે અત્યારના યુદ્ધમાં નાટો દેશો એક પછી એક પોતાના યુદ્ધજહાજો લડાઈના મોરચે ખસેડવા માંડ્યા છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે આ યુદ્ધમાં નાટો દેશો સીધો ભાગ લેશે. રશિયા અને યુક્રેનના કિસ્સામાં મહદ્ અંશે નાણાંકીય તેમજ શસ્રસહાય અને કેટલાક આર્થિક પ્રતિબંધો (સેક્શન) સુધી મર્યાદિત રહેલ નાટો દેશો આ યુદ્ધમાં ઇઝરાયલના બચાવ માટે સીધેસીધા લેબેનોન, ઈરાન તેમજ તુર્કી સાથે યુદ્ધમાં સંડોવાશે, જેના પરથી આ યુદ્ધની ઘાતકતાનો અંદાજ આવી શકે છે.

હજુ આજની તારીખે આ યુદ્ધમાં અણુશસ્ત્રો વપરાય એવી શક્યતા નથી દેખાતી. આમ છતાંય મર્યાદિત પ્રમાણમાં શસ્ત્રોનો ઉપયોગ નહીં જ થાય એવું માની લેવું વધારે પડતું છે. આ વખતના યુદ્ધમાં ઇઝરાયલ સામે વેસ્ટબૅન્ક અને લેબેનોન, હિઝબુલ્લા તેમજ તુર્કી અને ઇરાન સંડોવાઈ ચૂક્યા છે. તે સામે અમેરિકા, ઇઝરાયલ તેમજ યુરોપ સમેત નાટો દેશો પોતાની પૂરી તાકાતથી ઝંપલાવે અને આખા વિશ્વની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી નાખે તો વિશ્વભરમાં ક્રુડ ઑઇલથી માંડી કોમોડિટી સુધીના ભાવ ભડકે બળે અને મોંઘવારીનો સામનો કરી રહેલ દેશોની અર્થવ્યવસ્થા સાવ ભાંગીને ભટૂરિયું થઈ જાય તે શક્યતા નકારી શકાય નહીં. ભારતની વાત કરીએ તો એને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ મોકલાવતાં લગભગ એક કરોડ જેટલાં ભારતીય નાગરિકો અખાતના દેશોમાં કામ કરે છે.

તેમાંના કેટલાયે દેશ છોડીને ભારતનો રસ્તો પકડવો પડે અને તેને કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર મોટી અસર થાય. એક બાજુ ઇઝરાયલ, અમેરિકા અને નાટો દેશોને આવરી લેતાં વિસ્તૃત યુદ્ધનાં કાળાં ડિબાંગ વાદળો ક્ષિતિજે ઘેરાઈ ચૂક્યાં છે ત્યારે બીજી બાજુ આ પરિસ્થિતિને કારણે ભારતમાં ખાદ્ય પદાર્થો અને કોમોડિટીના ભાવમાં વધારો થાય તો આંતરરાષ્ટ્રીય ભૌગોલિક તેમજ ભૂરાજકીય પરિસ્થિતિને કારણે ભારતના નિકાસ વ્યાપાર ઉપર પણ કેટલી અસર થાય તે અભ્યાસ માંગી લે તેવી બાબત છે. ઇઝરાયલ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ ઊભું થઈ ચૂક્યું છે. ઇઝરાયલના વડા પ્રધાનની કચેરી સમેતના ૧૨ ક્રિટીકલ ટાર્ગેટ પર હુમલો કરવાની આગેવાની હિઝબુલ્લા લેશે. આરબ રણમાંથી વિનાશનું તોફાન ઊઠશે જે કેટકેટલાને દઝાડશે તે ચિંતાનો વિષય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top