ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. શુક્રવારે લેબનોન સમર્થિત હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલમાં એક પછી એક ત્રણ હુમલા કર્યા છે. આ ત્રણ હુમલામાં હિઝબુલ્લાહના આતંકવાદીઓએ લગભગ 140 મિસાઈલો છોડી હતી. આ હુમલામાં થયેલા નુકસાનની હજુ સુધી જાણકારી મળી નથી. જોકે આ હુમલાથી ઇઝરાયેલને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અગાઉ ગુરુવારે પેજર અને વાયરલેસ જેવા નાના ઉપકરણો દ્વારા લેબનોનમાં સેંકડો લોકોને નિશાન બનાવ્યા પછી ઇઝરાયેલે ગુરુવારે મોડી રાત્રે હિઝબોલ્લાહના વિવિધ સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. સેનાએ કહ્યું કે ફાઇટર પ્લેન્સે બોમ્બમારો કરીને સેંકડો રોકેટ લોન્ચર બેરલને નષ્ટ કરી દીધા જે ઇઝરાયેલ તરફ છોડવાના હતા.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું કે યુદ્ધ વિમાનોએ બપોરથી મોડી રાત સુધી લગભગ એક હજાર બેરલ ધરાવતા લગભગ 100 રોકેટ લોન્ચર પર હુમલો કર્યો. IDF કહે છે કે તે તેના દેશની રક્ષા કરવા માટે હિઝબોલ્લાહ આતંકવાદી સંગઠનની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતાઓને નષ્ટ કરવા માટે હુમલો કરવાનું ચાલુ રાખશે.
ઇઝરાયલી દળોએ હિઝબુલ્લાહની અનેક ઇમારતો અને હથિયારોના ડેપોને નષ્ટ કરવાનો પણ દાવો કર્યો હતો. અગાઉ 17-18 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજર અને વોકી-ટોકી પર વિસ્ફોટ થયા હતા. જેમાં 37 લોકોના મોત થયા હતા અને 2300 લોકો ઘાયલ થયા હતા. લેબનોન અને હિઝબુલ્લાએ આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે.