World

હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહનો મૃતદેહ મળ્યો, શરીર પર ઇજાના નિશાન નહીં, જાણો કઈ રીતે થયું મોત..

ઈઝરાયેલના હુમલામાં શુક્રવારે માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહની ડેડબોડી મળી આવી છે. તબીબી અને સુરક્ષા ટીમોએ હુમલાના સ્થળેથી નસરલ્લાહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર હસનના શરીર પર હુમલાના કોઈ સીધા નિશાન નથી. જોરદાર વિસ્ફોટને કારણે થયેલ આઘાત તેના મૃત્યુ પાછળનું કારણ માનવામાં આવે છે.

રવિવારે ઇઝરાયેલે લેબનોનની સરહદ પર ટેન્ક તૈનાત કરી હતી. અલજઝીરાએ તેની તસવીરો પણ જાહેર કરી છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેને નસરલ્લાહ પર હુમલાની જાણ હતી. ફાઈટર પ્લેન ઓપરેશન માટે ઉડાન ભર્યા બાદ ઈઝરાયેલે તેને જાણ કરી હતી. જો કે ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે ઓપરેશન શરૂ કરતા પહેલા જ અમેરિકાને સંદેશો મોકલ્યો હતો. બીજી તરફ નસરાલ્લાહના મૃત્યુ પછી પણ ઇઝરાયેલે શનિવારે (28 સપ્ટેમ્બર) લેબનોનમાં હુમલા ચાલુ રાખ્યા હતા.

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 195 લોકો ઘાયલ થયા છે. એનવાયટીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈઝરાયેલે નસરલ્લાહને મારવા માટે 27 સપ્ટેમ્બરે 8 ફાઈટર પ્લેન મોકલ્યા હતા. તેના દ્વારા હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર 2 હજાર પાઉન્ડના 15 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર આ અમેરિકન બનાવટના BLU-109 બોમ્બ હતા જેને બંકર બસ્ટર પણ કહેવામાં આવે છે. આ સ્થાન પર ભૂગર્ભમાં ઘૂસીને વિસ્ફોટ કરવા સક્ષમ છે.

ઈરાની જાસૂસે નસરલ્લાહની હત્યા કરાવી
ફ્રાન્સના અખબાર લે પેરિસિયને હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહની હત્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે. અખબારે દાવો કર્યો છે કે નસરલ્લાહની હત્યા પાછળ ઈરાની જાસૂસનો હાથ હતો. તે જ છે જેણે નસરલ્લાહની ઇઝરાયલી સેના દ્વારા હત્યા કરાવી. અખબારે દાવો કર્યો હતો કે એક ઈરાની જાસૂસે નસરલ્લાહનું ચોક્કસ સ્થાન IDF સાથે શેર કર્યું હતું જે લેબનોનના બેરૂતમાં હુમલાઓ કરી રહ્યું હતું. આ પછી IDFએ નસરલ્લાહને નિશાન બનાવીને હુમલાની યોજના તૈયાર કરી અને ઝડપી મિસાઈલ હુમલામાં તેને મારી નાખ્યો.

અખબારે લેબનીઝ સુરક્ષા અધિકારીના હવાલાથી આ ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેરૂત પર હુમલા પહેલા એક ઈરાની જાસૂસે ઈઝરાયેલી સેનાને તે જગ્યા પર નસરલ્લાહનું સ્થાન જણાવ્યું હતું. આ પછી IDFએ નસરલ્લાહના તે સ્થાનને નિશાન બનાવીને હુમલાની યોજના બનાવી. ઇઝરાયેલની આગ ઓકતી મિસાઇલો અને વિનાશકારી ફાઇટર પ્લેન્સે ઝડપી હુમલા કરીને બેરૂતને રાખ કરી નાખ્યું. ઇઝરાયેલના આ મોટા હવાઈ હુમલામાં નસરલ્લાહ માર્યો ગયો હતો.

Most Popular

To Top