Columns

હેં! લોકો આવું પણ કરે છે?

મેડમ, આઈ એમ અ USA સિટિઝન. તમને મેં ઘણા વખતથી જોયા છે. તમે મને ખૂબ ગમી ગયા છો ‘તો વીલ યુ મેરી મી?’ અમેરિકાના ઈમિગ્રેશન ખાતાના એક ઓફિસરે આવી જ મતલબનું કહીને એક ભારતીય યુવતી જે ‘B-1/B-2 વિઝા’ ઉપર અમેરિકામાં પ્રવેશી હતી અને પછી સમય પૂરો થતાં ભારત પાછી ન જતા અમેરિકામાં ગેરકાયદેસર રહી ગઈ હતી એને આવો પ્રશ્ર્ન કર્યો. એ યુવતીને તો ભાવતું ’તું ને વૈદ્યે કહ્યું. એણે વિચાર કર્યો કે, લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મારે મોઢું ધોવા ન જવું જોઈએ. આ તક હાથમાંથી જવા દેવી ન જોઈએ. આ અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરીને હું ગ્રીનકાર્ડ મેળવી લઉં. એ કાયમનું થાય એટલે એનાથી હું, નોફોલ્ટ ડીવોર્સ મેળવીને છૂટી થઈ જાઉં. આ દરમિયાન એને કહીશ કે મેં માનતા માની છે કે હું સિટિઝન બની જાઉં પછી જ પતિ જોડે શારીરિક સંબંધ બાંધીશ. આવું જણાવીને હું એની સાથે પત્ની તરીકે રહીશ પણ અમે પતિપત્ની તરીકે સંબંધ નહીં બાંધીએ.

આવું વિચારીને એ ભારતીય યુવતીએ જેવી હા પાડી ઓફિસરે એની પાસે કબૂલ કરાવ્યું કે એ યુવતી લગ્ન ફકત અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માટે જ કરવા ઈચ્છતી હતી. એ યુવતી ઉપર છેતરપિંડીનો કેસ થયો, એને જેલ થઈ. પછી અમેરિકા બહાર મોકલી દેવામાં આવી. ‘મુકેશ, આ જો. આજના છાપામાં જાહેરખબર છે કે એક અમેરિકન સિટિઝન યુવતી લગ્ન માટે યોગ્ય વર ઈચ્છે છે. આવી બીજી પણ 2-3 જાહેરખબરો છે.’ મુકેશ અને એનો મિત્ર ચેતન, એ જાહેરખબરો આપનાર યુવતીઓ પાસે પહોંચી ગયા. એમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘અમે તારી જોડે લગ્ન ફકત ગ્રીનકાર્ડ મેળવવા માટે જ કરવા ઈચ્છીએ છીએ.’

એ યુવતીઓએ પણ જણાવ્યું કે તેઓ આવા જ પુરુષોની શોધમાં હતા જેઓ ગ્રીનકાર્ડ માટે અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરવા ઈચ્છતા હોય અને ગ્રીનકાર્ડ મળ્યા બાદ છૂટાછેડા લઈ લેવા માંગતા હોય. ‘તમારે અમને 25  હજાર ડોલર હમણાં લગ્ન કરતા પહેલાં આપવા પડશે. લગ્ન પછી અમે તમારા માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરશું. એ મંજૂર થાય અને તમને ગ્રીનકાર્ડ મળે એટલે તમારે અમને બીજા 25 હજાર ડોલર આપવા પડશે. 2 વર્ષ પછી જ્યારે તમે ગ્રીનકાર્ડ કાયમનું કરવાની અરજી કરો ત્યારે એમાં તમારી સાથે જોડાવવા માટે તમારે અમને બીજા 25 હજાર ડોલર આપવા પડશે. પછી તમે છૂટા અને હું છૂટી. મુકેશ અને ચેતને રકઝક કરીને 60 હજારમાં એ યુવતીઓને મનાવી લીધી અને બનાવટી લગ્નો દ્વારા એમના ગ્રીનકાર્ડ કાયમ કરાવી લીધા.

અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા અનેકો આવા બનાવટી લગ્નો કરે છે. આ કારણસર જ હમણાંથી અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું એમના ઓફિસરોને બનાવટી વરરાજા કે બનાવટી વહુ તરીકે મોકલીને બનાવટી લગ્નો દ્વારા અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ઈચ્છતા લોકોને પકડે છે. જો કોઈ પરદેશી અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરે તો એ અમેરિકન સિટિઝન એના પરદેશી પતિ યા પત્ની માટે ‘ઈમિજેટ રીલેટીવ’ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશનોને કોટાના બંધનો નડતા નથી. 6-8 મહિનામાં પિટિશન એપ્રુવ થાય કે પરદેશી પતિ યા પત્ની, જો અમેરિકામાં હોય તો એનું ‘સ્ટેટસ એડજસ્ટ’ કરીને અને જો અમેરિકા બહાર હોય તો ‘ઈમિગ્રન્ટ વિઝા’ મેળવીને અમેરિકામાં પ્રવેશીને ગ્રીનકાર્ડ મેળવી શકે છે.

જો લગ્ન ગ્રીનકાર્ડધારક જોડે કરવામાં આવે તો એ ગ્રીનકાર્ડધારક એના પરદેશી પત્ની યા પતિ માટે ‘ફેમિલી સેકન્ડ એ પ્રેફરન્સ’ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. એના હેઠળ ગ્રીનકાર્ડ મળતાં 2-3 વર્ષ લાગે છે. અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક જોડે જે પરદેશીએ લગ્ન કર્યા હોય એમના લગ્નને જો 1 વર્ષ પૂરું થયું ન હોય તો એમને જે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એ 2 વર્ષની મુદતનું કંડિશનલ હોય છે. 21 મહિના પછી પતિપત્ની બન્ને સંયુક્ત અરજી કરીને એ કાયમનું કરી શકે છે. કાયદામાં પ્રવર્તતી આવી સુવિધાઓના કારણે અનેકો અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માટે બનાવટી લગ્ન કરે છે. આ કારણસર જ અમેરિકાની સરકારે ‘ધ મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ’ ઘડ્યો અને બનાવટી લગ્ન કરનારાઓને જેલ, દંડ અને અમેરિકા બહાર તગેડી મૂકવાની સજા આ કાયદામાં કરી.

Most Popular

To Top