આજની શિક્ષણ પદ્ધતિ કે વ્યવસ્થા પરીક્ષાના નેટવર્કથી ગુથાયેલી છે અને ગૂંચવાયેલી છે. પરીક્ષાના ભયના સામ્રાજ્ય વચ્ચે બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે.માત્ર સફળતા, નિષ્ફળતા,ચિંતા,દબાણ અને ડરને કારણે બાળક છેવટે નિષ્પ્રાણ થઈ જાય છે. ક્યારેક બાળક ગુમાવવાની નોબત પણ આવે છે. એમાં પણ બોર્ડની પરીક્ષાઓ આવતા તો સમગ્ર માહોલ માં સન્નાટો અને ડરનું સામ્રાજ્ય છવાઈ જાય છે. પરીક્ષાઓ પણ ભાતભાતની. યુનિટ ટેસ્ટ, વિકલી ટેસ્ટ,માસિક ટેસ્ટ,છ માસિક, પ્રિલીમનરી,વાર્ષિક,થીયરીકલ -પ્રેક્ટીકલ, માત્ર વિકલ્પો વાળી, મૌખિક, લેખિત.
વેરાઈટી ઓ થી ભરપૂર!બાળક ભણે એટલે મૂલ્યાંકન તો હોય, પણ ટયૂશન ક્લાસીસ પણ પાછા ન પડે. મોડેલ ટેસ્ટના નામે તેઓ પણ બાળકને રડાવે…વાલીને દોડાવે.ઘણી ખરી શાળાઓમાં તો બોર્ડના બાળકો સેકન્ડ સેમેસ્ટરમાં શાળામાં ફરકે જ નહીં! (આઘાત ના પામશો!)હજી બાળકો પર પરીક્ષાનું ભારણ ઓછું હોય તેમ મા.શિક્ષણ બોર્ડ પણ એકમ કસોટીનો ભાર લાદે.પાણીદાર ઘોડો અંતે ભાર વહી વહીને ખચ્ચર બની જાય. પરીક્ષા એટલે જે અભ્યાસ કર્યો તેનું મૂલ્યાંકન,પણ અહીં તો ગોખણપટ્ટીની,યાદશક્તિની પરીક્ષા.માછલીની ચિત્તા સાથે દોડની સ્પર્ધા, હાથીની વાંદરા સાથે ઝાડ પર કૂદકા મારવાની સ્પર્ધા! ખૂબજ મધુર સ્વર હોય, સંગીતમાં રસ હોય અને લતાજીની મૃત્યુતિથિ ન જાણતું બાળક શું નિષ્ફળ કહેવાય?આપણી પરીક્ષાઓ શેનું મૂલ્યાંકન કરે છે? દેવી સરસ્વતી જ બચાવે.
સુરત – અરૂણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુજરાતભરમાં ‘શિક્ષણક્ષેત્ર’ ક્યાં સુધી અભડાતુ રહેશે
વર્ષ 2000થી આજ સુધી ગતીશીલ – વિકાસશીલ ગુજરાતની ગાદીએ ‘મોદીરાજ’ ‘કેશુબાપા’ હડસેલાયા, ‘આનંદીરાજ’ આવ્યું. રાતોરાત ‘રૂપાણી’ આવ્યા ને ગયા. ને હવે ‘ભૂપેન્દ્ર’ આવ્યા છે. તમામના કાર્યકાળના ઊંડાણમાં ‘જમીન’ નો જ ભોગ કેમ? આજકાલના અખબારી પાને ચમકી રહેલા સમાચારો પૈકી ‘નેક’ની પરવાનગી કહો કે ઓડિટ રીપોર્ટ વિના’જ ગુજરાતભરમાં કંઈક શાળા – કોલેજો અને યુનિવર્સિટીઓ ધમધમી રહી છે એવી હેડલાઈન્સો એ બહુધા લોકોના દિલો દિમાગમાં છૂપા રોષની જ્વાળા ભડકાવી છે.
તપાસના નામે ખૂબ જ શીફ્તપૂર્વકના પેંતરા રચીને નાગરીકોની આંખોમાં ધૂળ ઉડતી જ રહેશે. વર્ષો સુધી વિરોધ પક્ષની ગાંધારીનીતીમાં પણ મીલીભગતની ‘ગંધ’ હતી’જ હવે ‘સત્તા’ છે ત્યારે પણ?? શિક્ષણના નામે સરકારી જમીનો હડપવી અને હેતુફેર કરી ‘ગજવા’ની તંદુરસ્તી જાળવી રાખવાની?? એ, તંદુરસ્તી પછી ‘પક્ષ’ની હોય કે ‘પક્ષકારો’ની (સ્થાનિક વચેટીયા પૈકીના કોર્પોરેટરથી લઈને ધારાસભ્ય કે સાંસદ પણ હોઈ શકે) છેવટનો ‘હિસાબ’ કર્મબંધનોનો કોણ કરી શકશે? બચરવાળ નાગરિકો/મતદાતાઓને ભાગે બચે છે માત્ર ‘કર’જોડી પ્રાર્થના. હે ‘નાથ’ કમસેકમ ગુજરાતને ‘શિક્ષણક્ષેત્ર’ શા માટે બનાવી રહ્યા છો. ‘અનાથ’
સુરત – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.