અંકલેશ્વર તાલુકામાં તાઉતે વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. જે નુકસાનની સહાય ચૂકવવા અંગે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. અંકલેશ્વર કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં તેમણે માંગ કરી હતી કે, ખેતી વિભાગના સરવે મુજબ ઉનાળુ પિયત પાકો જેવા કે તલ, મગ, ડાંગર, શાકભાજી તથા કેળ સહિતના પાકોને નુકસાન થયું હતું. અંકલેશ્વર તાલુકામાં કુલ અંદાજિત 1200 હેક્ટરમાં 39 ગામના 906 ખેડૂતોને તાઉતે વાવાઝોડાથી નુકસાન થયું છે.
ખેડૂતોને થયેલા પાક નુકશાન અન્વયે સહાય ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ભરૂચના જંબુસર, હાંસોટ, વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને અંકલેશ્વરનો પણ આ સહાયમાં સમાવેશ કરીને અંકલેશ્વરના અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ ઉપરાંત રાજ્ય બજેટમાંથી વાવાઝોડું કૃષિ રાહત પેકેજમાં તાત્કાલિક સમાવેશ કરી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવવામાં તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન મગન પટેલ, ઇકબાલ ગોરી, જગતસિંહ વાસદિયા, દેવેન્દ્ર ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.