રાંચી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કર્યા હતા. દરમિયાન કોર્ટે (Court) હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. હાલ હેમંત સોરેનને (Hemant Soren) બિરસા મુંડા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ EDએ કોર્ટ પાસે સોરેનના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે અંગે ચુકાદો આવતી કાલે શુક્રવારે આવશે.
જણાવી દઇયેકે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી પ્રમુખ સોરેનને જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બુધવારે રાત્રે તેમના નિવાસસ્થાન પર સાત કલાકની પૂછપરછ પછી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ ભારે સુરક્ષા વચ્ચે સોરેનને PMLA કોર્ટમાં રજૂ કર્યો હતો.
તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે શા માટે જેએમએમ નેતાની ધરપકડ કરવામાં આવી
EDએ કોર્ટમાં તપાસ સાથે જોડાયેલા કેટલાક રેકોર્ડ પણ રજૂ કર્યા છે. EDએ કોર્ટને જણાવ્યું કે 13 એપ્રિલ, 2023ના રોજ દરોડા દરમિયાન રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદના ઘરેથી મોટી સંખ્યામાં જમીન સંબંધિત રેકોર્ડ અને રજિસ્ટર મળી આવ્યા હતા. ત્યાર બાદ 1 જૂન 2023ના રોજ રાંચી પોલીસે ભાનુપ્રતાપ વિરુદ્ધ રાંચીમાં કેસ નોંધ્યો હતો. 26 જૂન, 2023 ના રોજ રાંચી પોલીસની એફઆઈઆરના આધારે EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો.
ત્યાર બાદ તપાસમાં બહાર આવ્યું છે કે ભાનુ પ્રતાપ એક મોટી સિન્ડિકેટનો ભાગ હતો. જે મોટા પાયે સરકારી જમીનોના નકલી વેચાણ દસ્તાવેજો બનાવીને અને રેવન્યુ રેકોર્ડમાં છેડછાડ કરીને જમીનો કબ્જે કરવામાં કાર્યરત હતો.
હેમંત સોરેન પાસે ઘણી જમીનો છે
EDએ વધુમાં જણાવ્યું કે આવી ઘણી જમીનો હેમંત સોરેનના કબ્જામાં પણ હતી. તેમજ ભાનુપ્રતાપના મોબાઈલમાંથી સોરેનની આવી અનેક મિલકતોની માહિતી મળી હતી. જેમાં જમીનના આવા 12 ટુકડાઓની યાદી મળી હતી. જે લગભગ 8.5 એકર હતી. હેમંત સોરેને આ જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. ભાનુપ્રતાપે આ જમીનોના ફોટોગ્રાફ્સ પર હાથથી કંઈક લખ્યું હતું અને તેની ખરાઈ પણ કરી હતી.
સોરેને ગેરકાયદેસર રીતે કબ્જો મેળવ્યો છેઃ ED
આ કેસમાં પીએમએલએ હેઠળ ઘણા વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. તેઓએ એમ પણ કહ્યું હતું કે આ જમીનના ટુકડાઓ પર સોરેન દ્વારા ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે અને તે સોરેનની માલિકીની છે. EDએ PMLA હેઠળ સર્વે હાથ ધર્યો અને જાણવા મળ્યું કે સોરેન આ જમીનો પર ગેરકાયદેસર કબ્જો ધરાવે છે. આ સાથે જ સોરેનના દિલ્હીના ઘરની ચકાસણી દરમિયાન રૂમમાંથી 36 લાખ રૂપિયાથી વધુ રોકડ અને જમીનના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ 8.5 એકર જમીન ગુનાની આવકનો એક ભાગ છે.