SURAT

સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પ્રમુખ હેમંતભાઈનું મુંબઈમાં હાર્ટએટેકથી નિધન

સુરત: આજે તા. 17 જૂનની સવાર શહેરના રમતપ્રેમીઓ માટે આઘાતજનક સમાચાર લઈને આવી હતી. શહેરના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પ્રમુખ હેમંતભાઈ કોન્ટ્રાક્ટરનું નિધન થયું છે. આ સમાચાર વહેતા થતાં જ શહેરના રમતપ્રેમીઓ આઘાતમાં સરી પડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર 68 વર્ષીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરને રવિવારની રાત્રિએ હાર્ટ એટેક આવ્યો હતો. મુંબઈ એરપોર્ટ નજીક મેરિયોટ હોટલમાં તેઓ રોકાયા હતાં. રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ તેમને અકળામણનો અનુભવ થયો હતો. આથી હેમંતભાઈએ એસિડીટીની દવા લીધી હતી. જોકે, થોડી જ ક્ષણો બાદ તેઓ ખુરશી પર જ ઢળી પડ્યા હતા.

હોટલ સંચાલકો નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના 1 વાગ્યે આ સમાચાર સુરત પહોંચતા તેમના સગાસંબંધીઓ, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના સભ્યો આઘાતમાં સરી પડ્યા હતા. વહેલી સવારે હેમંતભાઈના પાર્થિવ દેહને સુરત લાવવામાં આવ્યો હતો. બપોરે 1 વાગ્યે ડુમસના ભીમપોર ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના પ્રેસિડેન્ટ ઉપરાંત તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પણ હતા. તેમના કાર્યકાળમાં સુરતમાં વુમન્સ ટી-20 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થયું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્રેક્ટિસ માટે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે આવ્યા હતા.

હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પ્રમુખપદ હેઠળ સુરતમાં સ્ટેડિયમના વિકાસકાર્યએ ગતિ પકડી હતી. આ સાથે જ નેશનલ ઈન્ટરનેશનલ લેવલના ક્રિકેટરો અહીં રમવા આવતા થયા હતા. હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના આકસ્મિક નિધનથી સુરતના રમતગજગતને ખૂબ મોટું નુકસાન થયું છે.

Most Popular

To Top