Charchapatra

પાકિસ્તાન ને મદદ ! શું જરૂરતમંદો સુધી પહોંચશે?

તારીખ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ નાં ગુજરાતમિત્ર નાં ચર્ચાપત્ર વિભાગ માં ચર્ચાપત્રી શ્રી બાબુભાઈ નાઈ નું ઉપરોક્ત વિષય પરનું ચર્ચાપત્ર પ્રકટ થયું. તેમનો માનવતાવાદી અભિગમ જરૂર પ્રશંસા ને પાત્ર છે. કબૂલ કે સમગ્ર પાકિસ્તાની પ્રજા ભારત અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ની વિરુદ્ધ નથી. ત્યાં નીડર પત્રકાર આરઝુ કાઝમી જેવા અને પાકિસ્તાની મૂળ નાં કેનેડિયન નાગરિક તારીક ફતેહ અને અમેરિકન નાગરિક સાજીદ તરાર જેવા લોકો જરૂર છે.  જૂના ફિલ્મી શોખ અને રેડિયો શ્રોતા તરીકે ની સક્રિયતા ને કારણે આ ચર્ચાપત્રી નો કેટલાક ભારતીય ફિલ્મો અને ફિલ્મ સંગીત નાં ચાહકો અને અલભ્ય ગીતો નાં ચાહકો એ એક લાંબા સમય પહેલા વિડિયો કોલ થી સંપર્ક કર્યો હતો અને પોતાની રેકોર્ડ લાયબ્રેરી બતાવી હતી અને એક કૃષ્ણ ભજન સંભળાવ્યું હતું અને ફોન ની સમાપ્તિ પર રામ રામ કહ્યું હતું. અને ક્યારેય રાજકારણ ની વાત ત્યાં નાં કોઈ પણ સંગીત ચાહકે કરી નથી કે આ તરફ થી પણ કરવામાં આવી નથી.

પણ સવાલ એ થાય છે કે જ્યારે મુસ્લિમ રાષ્ટ્રો પણ ભારત સાથે સંબંધ સુધારી રહ્યા છે અને પોતાનાં દેશ માં દુનિયાનાં ઇતિહાસ માં ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક બાબતો દાખલ કરી રહ્યા છે (જેમાં સાઉદી અરેબિયા અને યુએઈ મુખ્ય છે) અને પાકિસ્તાન ને ત્યાંનાં સત્તાધીશો અને સેના નાં અભિગમ ને કારણે મદદ કરવા તૈયાર નથી કે જેઓ પ્રજાની સેવા ને બદલે નિવૃત્તી કે કરેલા ભ્રષ્ટાચાર ને કારણે સત્તા પરથી ઉથલતા સીધા વિદેશ ભેગા થઈ કોઈ પણ કામકાજ કર્યા વિના જ આજીવન જીવી શકે તેવી વ્યવસ્થા માં જ રચ્યા પચ્યા રહે છે, તે આપણી મદદ પણ તે જ રસ્તે વાપરશે. તુર્કી ની સરહદ સીધી રીતે ભારત ને અડતી નથી. અને મોદી જી નો આ એક રીતે માનવતા ઉપરાંત ત્યાંનાં સત્તાધીશો નાં માનસ પરિવર્તન નો એક ચાન્સ લીધા બરાબર છે. આજ પ્રકારની કોશિશ નવાઝ શરીફ વખતે કરી હતી, કે જેથી પોતાનાં પર શરૂઆત થી જ અસહકાર નો આરોપ નહીં આવે અને જરૂર પડ્યે સખત થઈ શકાય. ક્યારેક ગણતરી પૂર્વક ઉઠાવેલું જોખમ ખોટું ઠરે તેથી ઇરાદા પર શંકા નહીં કરીએ.
સુરત     -પિયુષ મહેતા     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પોલીસની પ્રશંસનીય કામગીરી
કબ્જો જમાવી બેઠેલા પાસેથી પિતાની છેલ્લી નિશાની એવું એકમાત્ર ઘર રાંદેર પોલીસે માતા-પુત્રીને પરત મેળવી આપ્યું. બીમાર સંતાનના વૃદ્ધે પિતાની એકમાત્ર આવકનું સાધન એવી દુકાન પરત મેળવી આપી. દાદાગીરી કરી ભાડુ ન આપી ખાલી ન કરનાર વ્યકિત પાસેથી અમારા મિત્રને તેમનો ફલેટ પરત મેળવી આપ્યો. ગરીબ કન્યાનું કન્યાદાન કર્યું. એકલા રહેતા દંપતનીને સોસાયટીના કેટલાક ખરાબ તત્ત્વો ડરાવી-ધમકાવી માનસિક ત્રાસ આપતા હતા તેમાંથી તેમને મુક્ત કરાવ્યા આવી અનેક પ્રશંસનીય કામગીરી રાંદેર-અડાજણ પોલીસ વિશે સાંભળવા વાંચવા મળી રહી છે.

સામાન્ય રીતે સારા માણસોને પોલીસ સ્ટેશનના પગથિયા ચઢવાનું આવે તો ડર લાગે છે. મરવા જેવું લાગે છે પરંતુ ના છૂટકે પોલીસ સ્ટેશનના પગથિયા ચઢવા પડે અને સામેથી કરૂણા, સહાનુભૂતિ, માનવતાથી સભર હકારાત્મક પ્રતિસાદ મળે અને ન્યાય અપાવવાનું આશ્વાસન મળે ત્યારે ઘણો આનંદ થાય છે. શહેરના નિષ્ઠાવાન પોલીસ કમિશ્નર અને આપણા મદદગારો એવા પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન. અસામાજિક તત્ત્વોને પોલીસનો ડર લાગતો રહે અને સજ્જન માણસોને પોલીસને જોઈ નિરાંત-રાહત થતી રહે એવી સ્થિતિનું નિર્માણ ખરેખર ઈચ્છનીય છે.
સુરત – જ્યા યોગેશ હલાટવાળા  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top