દમણ : દમણ અને દીવ (DAMAN & DIV)ની સરકારી હોસ્પિટલ (GOVT HOSPITAL)ને ભારત સરકારે ખાસ સુવિધા આપી છે. હોસ્પિટલમાં કોરોનાની સારવાર (CORONA TREATMENT) લઈ રહેલા અને ઓક્સિજન (OXYGEN)ની જરૂરિયાતવાળા દર્દીઓને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે એવા આશય સાથે સ્વિત્ઝરલેન્ડ સરકારે ભારત સરકારને ડોનેટ કરેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન પૈકી 100 મશીન દમણ-દીવને ફાળવવામાં આવ્યા છે.
ઓક્સિનના અભાવે મોતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દાનહ-દમણ-દીવમાં પણ કોરોનાની ગતિ તેજ બનતાં હોસ્પિટલમાં ઓક્સિજનની ડીમાન્ડ વધી છે. ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનું મોત ન થાય એવા આશય સાથે ભારત સરકારે સ્વિત્ઝરલેન્ડ સરકારના સહયોગથી ડોનટ કરાયેલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન પૈકી 100 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન દમણ અને દીવને આપ્યા છે. જેમાં 60 મશીન દમણ માટે જેમાં 30 મશીન મરવડ સરકારી હોસ્પિટલમાં અને 30 મશીન સ્ટેપ ડાઉન ફેસેલીટીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 40 મશીન દીવની હોસ્પિટલને આપવામાં આવ્યા છે. આ મશીન કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે એક સંજીવની બુટી સમાન સાબિત થઈ રહ્યા છે.
નાનું મશીન 1 મિનિટમાં 5 લીટર ઓક્સિજન હવામાંથી ઉત્પન્ન કરે છે
મરવડ હોસ્પિટલના કોવિડ કેર ફેસેલીટીમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ ડોક્ટર કેયુર દેસાઈએ જણાવ્યું છે કે, નાનું અને પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન દર મિનિટે 5 થી 7 લીટર ઓક્સિજન હવામાંથી જાતે જ બનાવી લે છે. આ ઓક્સિજન મશીન દર્દીને લગાવ્યા બાદ તેનું સતત મોનિટરીંગ કરવાની જરૂર રહેતી નથી. જ્યારે ઓક્સિજન સિલિન્ડરમાં મોનિટરીંગ કરવાની સાથે ખાલી સિલિન્ડર બહાર લઈ જવું, ભરેલા સિલિન્ડરને ઈન્ટોલ કરવા જેવા મહા મેહનતનું કામ થતું હોય છે. જેમાં મેન પાવર પણ ખર્ચાય જાય છે. જ્યારે આ મશીનને એક વાર લગાવ્યા બાદ જરૂરી મોનિટરીંગ કર્યા પછી વારંવાર ધ્યાન આપવાની જરૂરી રહેતી નથી.
આ મશીન હાલમાં તો જે દર્દીઓને 5 થી 7 લીટર ઓક્સિજનની જરૂરિયાત વર્તાય છે તેમને જ મશીન થકી ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. જ્યારે 7 લીટરથી વધુ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રેગ્યુલર ઓક્સિજન સિલિન્ડર દ્વારા જ ઓક્સિજન પુરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે દમણ અને દીવની હોસ્પિટલને ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની સુવિધા આપવા બદલ મરવડ હોસ્પિટલનાં ચિકિત્સા અધિકારી ડૉ. સંજય વર્માએ ભારત અને સ્વિત્ઝરલેન્ડ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.