સુરત : સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલના અમલ બાદ હવે શહેર પોલીસ હેલમેટનો નિયમ ફરજિયાતપણે લાગુ કરવા જઈ રહી છે. આગામી તા.15 ફેબ્રુઆરી 2025થી શહેરમાં ટુ-વ્હીલર ચાલકોએ ફરજિયાતપણે હેલમેટ પહેરવું પડશે.
- વર્ષ 2024માં 296 વાહન ચાલકોના અકસ્માતમાં મોત નિપજ્યા
- શહેરના નાગરીકોને ટ્રાફિકના નિયમો પાળવા પોલીસ કમિશનરે અપીલ કરી
શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શહેરીજનોને પ્રજાસત્તાક દિનની શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે લોકોના જીવ બચાવવા 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. વર્ષ 2024માં 296 લોકોના એક્સિડન્ટથી મોત થયા જેમાં મોતને ભેટનારામાં ટુ વ્હીલર ચાલક વધુ છે. લોકોને અપીલ છે કે તમારો પરિવાર તમારી ઘરે રાહ જુએ છે માટે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો. જેથી ગંભીર અકસ્માતથી જીવ બચી શકે.
પ્રજાસત્તાક દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ત્યારે દેશ અને સરહદો ઉપર આ સાથે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે અને તિરંગો લહેરાવી ભારત દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો અને ક્રાંતિકારોને યાદ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરત શહેરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન પોલીસ કમર્ચારીઓએ તિરંગાને સલામી આપી હતી.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થયેલી ઉજવણીમાં પોલીસના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે શહેરના નાગરીકોને ટ્રાફિકના નિયમો પાળવા પોલીસ કમિશનરે અપીલ કરી હતી.પોલીસ કમિશનરે પોલીસ કમર્ચારીઓની કામગીરીને બિરદાવી હતી અને આવનાર દિવસોમાં પણ સુરત શહેર સુરક્ષિત રહે અને સલામત રહે તેવી કામના કરી હતી.
પોલીસની બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રીલની અનોખી કરતબ
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે શહેર પોલીસ જવાનોએ વિવિધ કરતબો બતાવ્યા હતા. જેમાં ખાસ કરીને બ્લાઈન્ડ વેપન ડેમો ડ્રિલ યોજીને ઉપસ્થિત સૌને યુદ્ધકળાના દર્શન કરાવ્યા હતાં. જેમાં જવાનોએ આંખે પાટા બાંધીને રાઈફલ, બંદુક જેવા હથિયારોને ગણતરીની સેકન્ડોમાં ખોલીને ફરી જોડી દીધા હતાં. પોલીસને અંધારામાં પણ હથિયાર ખોલવાની, ચલાવવાની અને જોડવાની તાલીમ આપવામાં આવે છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)