રશિયાના દાગેસ્તાન પ્રદેશમાં એક રશિયન KA-226 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. જેમાં પાંચ લોકોના મોત થયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવ્યું અને જમીન સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી.
આ અકસ્માત દાગેસ્તાનના અચી-સૂ ગામ પાસે કેસ્પિયન સાગર વિસ્તારમાં થયો હતો. ઘટનામાં મૃત્યુ પામેલા પાંચમાંથી ચાર લોકો એક જ કંપની કુમેરટાઉ ઇલેક્ટ્રો-મિકેનિકલ પ્લાન્ટ (KEMZ)ના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. કંપનીએ આ માહિતીની પુષ્ટિ તા. 8 નવેમ્બરના રોજ કરી હતી. મૃતકોમાં કંપનીના ડેપ્યુટી જનરલ ડિરેક્ટર અને હેલિકોપ્ટરના ફ્લાઇટ મિકેનિકનો પણ સમાવેશ થાય છે.
શરૂઆતમાં રશિયન સરકારી મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટર પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું, પરંતુ પછી સ્પષ્ટ થયું કે તે હકીકતમાં રક્ષણ ક્ષેત્રની કંપનીના ટેક્નિકલ સ્ટાફને લઈ જઈ રહ્યું હતું. KEMZ રશિયાની એવી સંરક્ષણ કંપની છે. જે હવાઈ ઉપકરણો અને સૈન્ય માટેનાં ભાગો બનાવે છે. આ કંપની પર અમેરિકાએ પ્રતિબંધો પણ મૂક્યા છે. કારણ કે તે યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં સીધી રીતે સંકળાયેલી રહી છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર જમીન પર પડતાં જ તેમાં આગ લાગી હતી. બચાવદળોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ને આગ પર કાબુ મેળવ્યો અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. રશિયન એવિએશન તપાસ એજન્સી દ્વારા ઘટનાસ્થળેથી અવશેષો અને બ્લેક બોક્સ કબજે કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ હવામાનની ખરાબી અથવા ટેકનિકલ ખામી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે KA-226 હેલિકોપ્ટર રશિયાની એક આધુનિક ટ્વીન-એન્જિન હેલિકોપ્ટર શ્રેણીમાનું એક છે. જે સામાન્ય રીતે સાત મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.