ગાંધીનગર: દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન પર ચક્રવાતી હવાનું દબાણ સક્રિય છે,જેના પગલે ગુજરાત પર આગામી 28મી ડિસેમ્બરસુધીમાં માવઠુંથવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આ માવઠુંથવાની વકી છે. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. જેના પગલે શીત લહેરની અસર જોવા મળી હતી. રાજ્યમાં આજે રવિવારે કચ્છના નલિયામાં કોલ્ડ વેવની અસર હેઠળ કાતિલ ઠંડી વર્તાઈ હતી. નલિયા 7 ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠ્યુંહતું. હજુયે આગામી 28મી ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 28મી ડિસેમ્બરસુધીમાં દક્ષિણ રાજસ્થાન પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં માવઠું થઈ શકે છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાત પણ કાતિલ ઠંડીની ચપેટમાં આવી ગયું છે. આજે રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ તથા ગાંધીનગરમાં કાતિલ ઠંડીની ઝપેટમાં આવી ગયા હતા. શહેરીજનો કાતિલ ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં 18 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., ભૂજમાં 12 ડિ.સે., નલિયામાં 7 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 14 ડિ.સે., અમરેલીમાં 15 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 13 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 13 ડિ.સે. અને કેશોદમાં 14 ડિ.સે.,લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાન પર ત્રણ સિસ્ટમની અસર ગુજરાત પર વર્તાશે
ગુજરાતને અસર કરે તે રીતે જુદી જુદી ત્રણ સિસ્ટમ સક્રિય થયેલી છે. જેના પગલે આગામી 28મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની સંભાવના રહેલી છે. 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. રાજસ્થાનની સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે, જો કે આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અરબ સાગર પરથી ભેજવાળા પવનો સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.