- રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો
સુરત: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8-8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 7 ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.24 જુલાઇના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ 10 તાલુકામાં 6-6- ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ 6 તાલુકાઓમાં 5-5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચિખલી, માંડવી, ચૌર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ 10 તાલુકામાં 4-4 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડીયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ 12 તાલુકામાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાલીયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, ડેડીયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સુત્રાપાડા મળીને કુલ 13 તાલુકાઓમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ, મેઘરજ, કુકાવાવ વાડિયા, રાજુલા, ઓલપાડ, થાનગઢ, નેત્રંગ, દસક્રોઈ, લાલપુર, ભાભર, અંકલેશ્વર, મહુવા – ભાવનગર, ઉના અને ટંકારા મળીને કુલ 14 તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ઉમરગામ, મહેમદાવાદ, ભૂજ, લાખાણી, પોરબંદર, ભરૂચ, કુતિયાણા, જાફરાબાદ, કાલાવડ, અને ધ્રોલ મળીને કુલ 10 તાલુકાઓમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે રાજકોટ, ધારી, ગોંડલ, સુઈગામ, દેત્રોજ-રામપુરા, બાવળા, શંખેશ્વર, અમરેલી, મૂળી, સિદ્ધપુર, અબડાસા, મોરબી, આંકલાવ, મહુધા, વઢવાણ, સાયલા, માળિયા, ધાનેરા, બાયડ, વસો અને બોરસદ મળીને કુલ 21 તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
24 કલાક દરમિયાન ગુજરાતના 206 તાલુકામાં વરસાદ વરસ્યો
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 206 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધું વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગે (IMD) આજે પણ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
દ્વારકામાં 15નું રેસ્ક્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી ગામેથી મંગળવારે 15 વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
અમરેલીના બગસરામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. બગસરામાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બગસરાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમરેલી-બગસરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.