ગણદેવી બીલીમોરામાં શનિવારથી સતત પડી રહેલા અતિ ભારે વરસાદે લોકો ની ઊંઘ હરામ કરી નાખી છે. દક્ષિણ ગુજરાત સાથે ગણદેવી બીલીમોરામા વરસાદ કહેર વરસાવી રહીયો છે. રવિવારે બપોરે ચાર કલાકે પુરા થતા ચોવીસ કલાકમાં ગણદેવી તાલુકામાં 3.08 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. જયારે કાવેરી નદીનું જળસ્તર વધતા આજુ બાજુ ના 400 ઘરોમાં પાણી ઘુસી જતા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
સતત શનિવાર થી પડી રહેલા વરસાદે ગરીબ લોકોને મોટુ નુકસાન પોહચાડ્યું છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા પોતાનો કિંમતી સમાન સાથે અનાજ પાણીને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરીમાં લોકો બે દિવસથી લાગ્યા છે. બીલીમોરાની કાવેરી નદીના પાણીનું લેવલ વઘતા દેસરા, મેમન કોલોની,ઘાંચી વાડ, ટાંકી ફળીયા, ગેબનશા બાવા ની દરગાહ વિસ્તાર, ગિરિરાજ નગર સોસાયટીમાં લોકોનાં ઘર સુધી પાણી આવી ગયા હતા. આ વિસ્તારોમાં આ ચોમાસાની ઋતુમાં ત્રીજી વાર લોકો પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહયા છે. લોકો પોતાના સર સામાનની સુરક્ષા માટે આખી રાત રજળપાટ કરતા જોવા મળ્યા હતા.બીલીમોરા નજીકના મોરલી દિગરીયા વિસ્તારમાં વાડીમા પશુઓ માટે ચારો કાપવા ગયેલા મનસુખભાઇ પાણી વહી જતા ફસાઈ ગયા હતા જેઓને હોડી ના સહારે બહાર લવાયા હતા.
ઊંડાચનો લો લેવલ પુલ ફરી પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે અહીં બનેલા નવા પુલના બેસી ગયેલા બે પીલારો ને કારણે તેનો છેલ્લા બે વર્ષ થી વપરાશ બંધ કરી દેવાયો છે જેનો ગામે લોકોએ વિરોઘ કરવા છતાં તંત્રને રિપેર કરવાનું કેમ સૂઝતું નથી? કાવેરી નદીમાં પણ પાણી વઘતા નજીક ના ગામોમાં પાણી વઘવા સાથે વાડીયા શિપયાર્ડમાં પણ પાણી વધી રહયા છે. દેસરા વિસ્તાર ના 35 પરિવાર ના અંદાજિત 100 જેટલાં નીચાણવાળા વિસ્તારોનાં લોકોને નજીકની દેસરા પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. જેઓની ખાવાપીવાની વ્યવસ્થા નગરપાલિકા સાથે જલારામ મંદિરે ઉપાડી હતી.
ગણદેવીમાં પણ તોરણગામ પંચાયત કચેરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. ધમડાછાનો પણ લો લેવલ પુલ પાણીમાં ગરક થઇ ગયો હતો. ચોતરફ વરસી રહેલા વરસાદથી પુસ્કળ પ્રમાણમાં પાણીની આવક થઇ છે. ગણદેવી તાલુકો બાગાયતી વિસ્તાર છે અહીં પડેલા સારા વરસાદે ખેડૂતોને જીવનદાન આપ્યું છે. પણ હવે પડી રહેલો વધારે વરસાદ પણ નુકસાનકારક કેહવાય. ખેડૂતોના ખેતરો અને વાડીઓમાં વધારે પડતા પાણી ભરાવાથી કેરી ચીકુના ઝાડોને નુકસાન થવાની પુરે પુરી સંભાવના છે.
ગણદેવી તાલુકામાં રવિવારે સાંજે 4 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન 95 એમએમ એટલેકે 3.8 ઇંચ વરસાદ પડવા સાથે મોસમનો કુલ વરસાદ 1849 એમએમ એટલેકે 73.96 ઇંચ પડી ચૂક્યો છે જ્યારે કાવેરી નદી તેની 19 ફૂટની સપાટી સામે 20.50 ફૂટે વહી રહી છે. જ્યારે અંબિકા નદી તેની 28 ફૂટની સપાટી સામે 20.99 ફૂટે વહી રહી છે.