Gujarat

9 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આમ તો વરસાદનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 9મી સપ્ટે. સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.

રવિવારે રાત્રિના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 38 તાલુકામાં હળવો વરસાદ થયો હતો. જેમાં અમરેલીના રાજુલામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આણંદના ખંભાતમાં પોણો ઈંચ, વલસાડના ઉમરગામમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 69 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. જેમાં મહીસાગરના કડાણામાં 20 મીમી વરસાદ થયો હતો. અન્ય તાલુકાઓમાં 20 મીમીથી પણ ઓછો વરસાદ થયો હતો. રાજ્યમાં ચોમાસાની મોસમમાં અત્યાર સુધી સરેરાશ 49.78 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 49.49 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.78 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 44.46 ટકા, સૌરાષ્ટ્રમાં 49.11 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56.69 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top