રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે રેકોર્ડ વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને શહેરના ઘણા ભાગોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. દિલ્હીમાં મિન્ટો બ્રિજ, રાજઘાટ, કનોટ પ્લેસ અને આઈટીઓ જેવા સ્થળોએ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ કહ્યું કે, દિલ્હીમાં 139 મીમી (5.47 ઇંચ) વરસાદ નોંધાયો છે. જે ઑગસ્ટમાં ઓછામાં ઓછા 13 વર્ષમાં એક દિવસમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છેદિલ્હીમાં ‘નારંગી’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે અત્યંત ખરાબ હવામાનની ચેતવણી આપે છે. જેના કારણે શહેરમાં રસ્તા, ગટર અને વીજ પુરવઠા સાથે મુસાફરીમાં વિક્ષેપની સંભાવના છે.
જાહેર બાંધકામ વિભાગ (પીડબલ્યુડી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે સાંજે 4.30 વાગ્યા સુધી કંટ્રોલરૂમમાં પાણી ભરાવાની 316 ફરિયાદો મળી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફિલ્ડ સ્ટાફ પ્રાથમિકતાના ધોરણે પાણી ભરાવાની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે કાર્ય કરી રહ્યો છે.
ત્રણ મ્યુનિસિપલ સંસ્થાઓના આંકડા અનુસાર, શહેરમાં ઝાડ પડવાની ઓછામાં ઓછી 14 ઘટનાઓ નોંધાઈ છે.પાણી ભરાવવાના કારણે મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં ઘણી મુશ્કેલી સર્જાઈ હતી. દિલ્હીમાં ટ્રાફિક જામની સમસ્યા આઈટીઓ, ધૌલા કુઆન, એરપોર્ટ નજીક મેહરમ નગર અન્ડરપાસ, વિકાસ માર્ગ, મથુરા રોડ, રિંગ રોડ, મુકરબા ચોક, રોહતક રોડ, કનોટ પ્લેસ, બારખંબા રોડ અને ભૈરોન માર્ગ પર સર્જાઈ હતી.દિલ્હીમાં કલાકો પછી લોકોને જાણ કરી હતી કે, મિન્ટો બ્રિજ અંડરપાસ પર સામાન્ય ટ્રાફિક અવરજવર ફરી શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અંડરપાસ ત્રણ કલાકમાં ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો