Gujarat

7 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ

ગાંધનીગર: રાજ્યમાં વરસાદની (Rain) ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં 149 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ સુરત (Surat) જિલ્લાનાં પલસાણામાં નોંધાયો હતો.

રાજ્યના 11 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 23 તાલુકાઓમાં 2 ઈંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 50 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. ઉમરગામ, કપરાડા, નવસારી, માંગરોળમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારે ચોર્યાસી, લખપત, પલસાણા, વડાલી, ધરમપુર, પારડી, જલાલપુર, ચીખલી અને લાલપુરમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.

સતત વરસી રહેસા વરસાદના કારણે સુરત જિલ્લાના કેટલાક વિસ્તાર પાણી પાણી થયા હતા. સુરતમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ઓલપાડ, બારડોલી-ચોર્યાસીમાં પાંચ ઇંચ, મહુવા, માંડવી, માંગરોળમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ ઉતર ગુજરાતમાં પણ મેઘમહેર થઇ હોતી. બનાસકાંઠા તથા પાટણમાં ધોધમાર વરસાદ હતો. માત્ર દિયોદરમાં જ સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, આણંદમાં ધોધમાર વરસાદ વરસવાથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આણંદ જિલ્લાના બોરસદમાં ગુરુવાર-શુક્રવાર દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કરાણે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 200 થી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે એનડીઆરએફની ટીમોને પણે તૈનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. તેમજ આગામી દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં સિઝનનો પ્રથમ વરસાદ ચાર ઈંચ કરતાં વધુ વરસ્યો છે. છતાં પણ રાજ્યના જળાશયોમાં વાપરવાલાયક પાણીનો જથ્થો માત્ર 28.37% બચ્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં બે ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે ત્યારે ત્યાંના જળાશયોમાં હાલ માત્ર 11 ટકા જેટલો પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 42.22% જ્યારે સૌરાષ્ટ્રમાં 24.09% પાણીનો જથ્થો બચ્યો છે.

Most Popular

To Top