સુરત: દક્ષિણ ગુજરાતની જીવનદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફરીથી વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી જતા ગુરુવારે ડેમના પાંચ ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
- ઉપરવાસમાં ટેસ્કામાં 76 મીમી, ગોપાલખેડા-ડેડતલાઈ સહિતના વિસ્તારોમાં નોંધાયો વરસાદ
- ઉકાઈ ડેમના બંધ ગેટ ફરી ખોલીને પાણી છોડવાનું આજે પણ ચાલું
- ડેમમાં 1.12 લાખ ક્યુસેક પાણીની આવક સામે 77 હજાર ક્યુસેક પાણી છોડાયું
ઉપરવાસના વિસ્તારોમાં થયેલા વરસાદની અસર સીધી જ ડેમના જળસ્તર પર જોવા મળી રહી છે. આજે ટેસ્કામાં સૌથી વધુ 76 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ગોપાલખેડામાં 24 મીમી, ડેડતલાઈમાં 27 મીમી, ધુલિયામાં 12 મીમી અને ચાંદપુરમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ છૂટો-છવાયો વરસાદ નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.12 લાખ ક્યુસેક છે જ્યારે જાવક 77 હજાર ક્યુસેક નોંધાઈ છે. ડેમની સપાટી હાલ 342.47 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમના દરવાજા ખોલાયા હોવાના કારણે તટીય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સ્થિતિ અંગે એલર્ટ અપાયું છે.
તે જ રીતે ઉપરવાસના હથનુર ડેમમાંથી 61 હજાર ક્યુસેક અને પ્રકાશન ડેમમાંથી 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વરસાદી માહોલ ચાલુ રહેતા આવનારા દિવસોમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ વધી શકે છે. હાલ ડેમનુ રૂલ લેવલ 345 ફૂટ હોવાથી ડેમને ભરવા દેવાશે.