National

હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો કહેર: 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 375 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુ ભારે વિક્ષિપ્ત બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ટ્રાફિક અવરોધ સર્જાયો છે. સરકારે માહિતી આપી છે કે હાલ રાજ્યમાં 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત કુલ 375 જેટલા રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ભારે તકલીફો પડી રહી છે.

ગતરોજ મંગળવારે મંડી જિલ્લાના દ્રાંગ વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં પનારસાના થાઈ નાળામાં 14 વર્ષનો એક નેપાળી કિશોર તેજ સિંહ પાણીમાં વહી ગયો હતો. તેના શોધ માટે તપાસ ચાલુ છે. રાજ્યના બરાલાચા અને કુંજુમ ઘાટ સહિતના ઊંચા પર્વતીય વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.

મંડી જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, જ્યાં કુલ 254 રસ્તાઓ બંધ છે. કુલ્લુમાં 78, શિમલામાં 13, કાંગડામાં 11 અને સિરમૌરમાં 10 રસ્તા બંધ છે. હાલ કિરતપુર-મનાલી ચાર માર્ગીય રસ્તો 37 કલાક બાદ ફરી ખૂલી ગયો છે, જ્યારે મંડી-જાંઝેલી માર્ગ પણ થુનાગ સુધી ખુલ્લો કરવામાં આવ્યો છે.

ભારે વરસાદના કારણે જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાં કાંપ ભરાઈ જવાને કારણે વીજ ઉત્પાદન પર પણ અસર થઈ છે. રાજ્યમાં 326 ટ્રાન્સફોર્મર ખામીયુક્ત બની ગયા છે અને 314 પાણી યોજનાઓ પ્રભાવિત થઈ છે. શાકભાજી અને ફળોના પાકને પણ નુકસાન થયું છે, ખાસ કરીને ટામેટા, કોબી અને સફરજનમાં ભારે ખોટ થઈ છે.

કોટલી સબડિવિઝનના કાસન વિસ્તારમાં ગેરકાયદેસર ડમ્પિંગના કારણે એક કૃત્રિમ તળાવ સર્જાયું છે, જેને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.

હવામાન વિભાગે આગાહી આપી છે કે આગામી તા. 23, 24 અને 25 જુલાઈના દિવસે હવામાન મુખ્યત્વે સ્વચ્છ રહેશે, જોકે કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડવાની શક્યતા છે

Most Popular

To Top