Gujarat

હવામાન વિભાગની ફરી મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટક્શે

અમદાવાદ: ગુજરાતના (Gujarat) કેટલાક શહેરોમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા 24 કલાકમાં કચ્છ અને લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાય છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને ધરમપુરમાં આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10થી 15 જુલાઈ સુધી વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા-નગર હવેલીમાં 9-10 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસંકાઠ, સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે આ સિવાય મધ્ય ગુજરાતમાં સામાન્ટ વરસાદ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં અને નવસારીના વાંસદામાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ નવસારીના ચીખલી અને ખેરાગામ તથા ડાંગના સુબિરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના વઘઈ, વાપી અને પારડીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારા, મોરબી, વાલોદમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4-5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 9 જુલાઈએ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને 4 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 215 તાલુકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં નોંધાયો છે. 12 તાલુકામાં 50 મિમી, 69 તાલુકામાં 51થી 125 મિમી, 88 તાલુકા 126થી 250 મિમી, 55 તાલુકા 251થી 500 મિમી, 27 તાલુકામાં 501થી 1000 મિમી આખી સીઝનનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 235.44 મિમી વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top