નવસારી : નવસારીમાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. વરસાદ પડતા માત્ર 2 કલાકમાં નવસારીમાં દોઢ ઇંચ અને જલાલપોરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં નવરાત્રી દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડતો હતો. જોકે નવરાત્રી બાદ નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. જોકે જિલ્લામાં વરસાદના છુટાછવાયા છાંટા પડતા હતા. વરસાદ ભરબપોરે તડકામાં જ પડયો હતો. જોકે છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. જેથી નવસારી જિલ્લામાં ઉનાળા જેવી ગરમી બફારો વર્તાઈ રહ્યો હતો. જોકે આજે દિવસ દરમિયાન નવસારી જિલ્લામાં વરસાદની ગેરહાજરી રહી હતી. પરંતુ સાંજે નવસારીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. નવસારીમાં સાંજે અંધારપટ છવાઈ ગયો હતો. તો બીજી તરફ વીજળીના કડાકા-ભડાકા શરૂ થઇ ગયા હતા. ત્યારબાદ નવસારી જિલ્લામાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. નવસારીમાં ભારે વરસાદ પડતા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. તેમજ મોપેડ અને બાઈક ચાલકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી.
નવસારી જિલ્લામાં ગત ગુરુવારે સાંજે 6 વાગ્યેથી શુક્રવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાક દરમિયાન વરસાદની ગેરહાજરી રહી હતી. જયારે સાંજે 6 વાગ્યે બાદ વરસાદ શરૂ થયો હતો. જેથી નવસારી જિલ્લામાં શુક્રવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી 2 કલાકમાં જ, નવસારી તાલુકામાં 40 મી.મી. (1.6 ઇંચ), જલાલપોર તાલુકામાં 26 મી.મી. (1 ઇંચ), ચીખલી તાલુકામાં 10 મી.મી., ગણદેવી અને ખેરગામ તાલુકામાં 5-5 મી.મી. તેમજ વાંસદા તાલુકામાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો.
બીલીમોરામાં મોડી સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો
બીલીમોરા : બીલીમોરામાં શુક્રવારે મોડી સાંજે વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ તૂટી પડતા આખા વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. અચાનક મોડી સાંજે બીલીમોરામાં વાદળોની ગર્જનાએ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. તે સાથે અચાનક ભારે વરસાદ પડવાનું શરૂ થતા પાણી પાણી થઈ ગયું હતું. બીલીમોરામાં વરસાદ માપવાનું કોઈ જ સાધન નથી જેથી તાલુકાના નોંધવામાં આવતા વરસાદના ખરા આંકડા મળી નથી શકતા. બીલીમોરામાં વરસાદ માપવાની કોઇ જ સગવડ નથી. અહીં નગરપાલિકા છે, સિટી સર્વે, પાણી પુરવઠા વિભાગ, પોલીસ ચોકી જેવી મહત્વની સરકારી કચેરીઓ હોવા છતાં કોઈ પણ જગ્યાએ વરસાદ માપવાની કોઈ જ સગવડ નથી અને તાલુકાના કે સ્થાનિક નેતાઓને પણ આ સગવડ માટે કેમ સુજ્યું નથી? ગણદેવી મામલતદાર કચેરી ખાતે તાલુકાનો અત્યાર સુધી 2487 એમએમ 99.48 ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
પારડી-વાપીમાં ગરમીના બફારા બાદ અચાનક મેઘમહેર
પારડી : પારડી અને વાપી શહેરમાં આજરોજ બપોર બાદ અસહ્ય ગરમીના બફારા બાદ અચાનક વરસાદી ઝાપટું આવતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. શુક્રવારે બપોર બાદ ઢળતી સાંજે અચાનક વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે વરસેલા વરસાદથી કામાર્થે ગયેલા લોકો તેમજ બાઇક ચાલકો રસ્તામાં ભીંજાયા હતા. વરસાદી ઝાપટાને લઇ રસ્તા પર પાણી-પાણી કરી દીધું હતું. જેને લઇ ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી. ગમે ત્યારે મેઘમહેર થતા લોકોએ છત્રી-રેઇનકોટ ફરીથી કાઢવા કે નહીં જેને લઇ મૂંઝવણમાં મુકાયા છે. આ પારડી તેમજ વાપી અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા વરસાદી ઝાપટાને લઇ ડાંગરના પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ રહ્યા છે.
ડાંગનાં આહવા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. શુક્રવારે ડાંગ જિલ્લાનાં આહવા, બોરખલ, ગલકુંડ સહિતનાં પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર રેલમછેલ ફરી વળી હતી. જ્યારે સાપુતારા, વઘઇ અને સુબિર પંથકનાં ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે ડાંગરનાં પાકને જંગી નુકસાન થયુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે છૂટોછવાયો વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન ડાંગનાં આહવા પંથકમાં 21 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
દમણ તથા આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો
દમણ : સંઘપ્રદેશ દમણ તથા તેના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતની સાથે સંઘપ્રદેશ દાનહ અને દમણ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારના દિવસે સાંજે પ્રદેશમાં કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદ એટલો મુશળધાર હતો કે, રસ્તા પરથી અવરજવર કરતા વાહન ચાલકોએ તેમના વાહનોની પાર્કિંગ અને હેડ લાઈટ ચાલુ કરી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. જ્યારે રાહદારીઓએ છત્રી અને પ્લાસ્ટિકની મોટી થેલીના સહારે જવું પડ્યું હતું. અડધો કલાકથી વધુના સમય સુધી અનરાધાર પડેલા વરસાદને પગલે પ્રદેશના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. પંથકમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દમણ તથા આસપાસના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે, તેવી આગાહી પણ કરવામાં આવી છે.
વલસાડ-ધરમપુર વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર દોઢ કલાક ખોરવાયો
વલસાડ : વલસાડ જિલ્લામાં શુક્રવારે પણ વાવાઝોડા સાથે વરસાદ યથાવત રહ્યો હતો. જેના પગલે વલસાડ-ધરમપુર વચ્ચે વાંકલ નવાપાડા નજીક સાંજે પોણા પાંચની આસપાસ વૃક્ષ ધરાશાઈ થતાં ધરમપુર-વલસાડ વચ્ચેનો સળંગ વાહન વ્યવહાર આશરે દોઢ કલાક ખોરવાયો હતો. જેના પગલે બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઇ બંને શહેરોને જોડતી ઇન્ટરસિટી બસ સેવા પણ દોઢ કલાકથી વધુ સમય સ્થગિત થતાં બને એસટી ડેપોમાં મુસાફરો અટવાયા હતા. એજ રીતે નાનાપોંઢા-કપરાડા ગચ્ચે પણ માંડવા, જોગવેલ નજીક એક ટ્રક ખોટકાતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વાહન ચાલકોએ નાનાપોંઢા વાયા વારોલી થઈ ચકરાવો ફરી કપરાડા પહોંચવાની ફરજ પડી હતી.