SURAT

સુરતમાં રાતથી પડી રહ્યો છે દેમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન

ભાદરવો ભરપૂરની ઉક્તિને સાર્થક કરતો હોય તેમ રાજ્યના આકાશમાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં દર વર્ષે પાછોતરો વરસાદ જ વરસતો હોય છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં (September) જ સુરત (Surat) અને ઉકાઈના (Ukai) ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના (Heavy Rain) લીધે સુરતીઓના જીવ ઊંચકાતા હોય છે. આ વર્ષે પણ એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સતત બીજા દિવસે આજે શુક્રવારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે.

સુરતના વરાછા ઝોન એ અને બીમાં આજે બીજા દિવસે પણ  મેહૂલો નરમ પડ્યો નહોતો. ગુરુવારે સાંજે 6થી શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીમાં આ બંને ઝોન મળી 137 મિ.મી. લગભગ 5.5 ઈંચ વરસાદ ઝીંકાયો છે. શહેરમાં આખી રાત વરસાદ અવિરત વરસતો રહ્યો હતો. સવારે પણ અટક્યો નહોતો. સમગ્ર શહેરના રસ્તાઓ પર જાણે પાણીની નદીઓ વહેવા માંડી હતી. વિઝીબીલીટી ઓછી થતા અને ઠેરઠેર પાણી ભરાઈ જવાના લીધે વાહનચાલકો પરેશાન થયા હતા. હજુ આગામી 5 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે તંત્ર એલર્ટ થયું છે.

આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની (Gujarat Heavy Rain) આગાહી કરાઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળવાયું રહેવાની શક્યતા છે. અને 20થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.

રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે, હજુ 19 ટકાની ઘટ

જૂનથી ઓગસ્ટ સુધી સામાન્ય રહેલો વરસાદ સપ્ટેમ્બરમાં મહેરબાન થયો છે. ભાદરવો ભરપૂરની ઉક્તિ સાર્થક કરતા હોય તેમ મેઘરાજાએ આખાય ગુજરાત પર જાણે મહેર કરી છે.  સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. મહત્ત્વની વાત એ છે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે.

જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે, જેમાં સૌથી વધુ 47 ટકા ઘટ દાહોદમાં છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ પડ્યો છે, સૌથી વધુ 45 ટકા વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે.

નર્મદા ડેમની સપાટીમાં મહિનામાં 7મી.નો વધારો

સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) છેલ્લા એક મહિનામાં પાણીની સપાટીમાં 7 મીટરનો વધારો થયો છે. સરદાર સરોવરમાં આખા રાજ્યને 7 મહિના સુધી પીવા માટે તકલીફ ના પડે એટલો પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવરમાં હાલની સપાટી 122.83 મીટર છે અને 57 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ પાણીનો કુલ જથ્થો 5.430 લાખ કરોડ લીટર છે પણ ઉપયોગમાં લઇ શકાય એવો પાણીનો જથ્થો 1.700 લાખ કરોડ લીટર પાણી છે.

Most Popular

To Top