SURAT

સુરતમાં અનરાધાર વરસાદઃ સ્કૂલ-કાપડ માર્કેટોમાં પાણી ભરાયા, અલથાણ ટેનામેન્ટની દિવાલ તૂટી, કયાં શું થયું જાણો…

સુરતઃ શહેરમાં ગઈકાલે તા. 21 જુલાઈને રવિવાની સાંજે 6થી8 વાગ્યાના બે કલાકમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. શહેરમાં રવિવારે બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યાર બાદ વરસાદની ગતિ ધીમી થઈ હતી પરંતુ આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો. રવિવારની સાંજે 6થી સોમવારના બપોરે 2 વાગ્યા સુધીમાં 8 ઈંચ વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે.

કયાં કયાં પાણી ભરાયા?

  • વરાછા પોલીસ સ્ટેશનની સામે ઘૂંટણ સુધીના પાણી ભરાયા
  • વરાછા મેઈન રોડની દુકાનોમાં પાણી ઘૂસી ગયા
  • મિની બજારના રેસ્ટોરાંમાં પણ પાણી પ્રવેશ્યા
  • વરાછાથી સરથાણા સુધી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.
  • સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્રાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા.
  • અલથાણ ટેનામેન્ટમાં પાર્કિંગની દિવાલ તૂટી
  • પાલમાં વોકવે કેનાલ રોડ પર પાણી ભરાયા
  • ઝાંપાબજારમાં પાણી ભરાયા
  • વ્રજચોક પાસે ખાડીની બંને તરફનો રોડ બેસી ગયો
  • પર્વત ગામની સરસ્વતી સ્કૂલમાં પાણી ભરાઈ ગયા
  • ડુંભાલ ટેનામેન્ટના ઓમ નગરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા
  • લિંબાયત મીઠીખાડી નજીક પાણી ભરાતા લોકોએ દુકાનો બંધ રાખવી પડી

આજે સવારે પણ મેઘરાજાએ મેરેથોન ઈનિંગ રમવાનું ચાલુ રાખ્યું છે. વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તાર અને ગરનાળામાં પાણી ભરાયા છે, તેથી અનેક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સુરત રેલવે સ્ટેશન પાસેનું આર્યુવેદિક ગરનાળું બંધ કરી દેવાયું છે. ડભોલીમાં પણ પાણી હજુ ઓસર્યા નથી.

રવિવારે સાંજે 6થી સોમવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 8 ઈંચ વરસાદ નોંધાયો
સુરત શહેરમાં ગઈકાલે તા. 21 જુલાઈની સાંજે 6 વાગ્યાથી સોમવારે તા. 22 જુલાઈની બપોરે 2 વાગ્યા સુધીમાં 191 મિ.મી. એટલે કે અંદાજે 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 45 મિ.મિ. અંદાજે 2 ઈંચ વરસાદ પડ્યો છે.

એક વર્ષ પહેલાં બનેલા અલથાણ ટેનામેન્ટની દિવાલ તૂટી ગઈ
રવિવારે સાંજે 6 વાગ્યા બાદ સુરત શહેરમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો, તેના લીધે ઠેરઠેર પાણી ભરાયા હતા. અનેક વૃક્ષો તુટી પડ્યા હતા. દરમિયાન એક વર્ષ પહેલાં જ બનેલા અલથાણ ટેનામેન્ટના પાર્કિંગની દિવાલ તુટી પડી હતી, જેથી બિલ્ડરની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા હતા. દિવાલ તુટતા રહીશો ગભરાઈને વરસતા વરસાદમાં બહાર દોડી ગયા હતા.

ઓછી વિઝિબિલિટીના લીધે દિલ્હીની ફ્લાઈટ પાછી ફરી, ઈન્દોરની માંડ ઉતરી
વરસાદી વાતાવરણના લીધે આજે સવારે વિઝિબિલિટી પણ ઘણી ઓછી હતી, જેના લીધે દિલ્હીથી સુરત આવેલી ફલાઈટને લેન્ડિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. આકાશમાં બે ચાર ફેરા મારી પ્લેન પરત ફર્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હીથી સુરતની ફલાઈટને ફરી દિલ્હી મોકલી દેવાઈ હતી, જેના લીધે પેસેન્જર હેરાન થયા હતા.

બીજી તરફ ઓછી વિઝિબિલિટીના લીધે ઈન્ડિગોની ઈન્દોર-સુરત ફ્લાઈટને પણ લેન્ડ કરાવવામાં મુશ્કેલી અનુભવાઈ હતી. આ ફ્લાઈટ લગભગ 1 કલાક સુધી સુરતના આકાશમાં ચક્કર મારતી રહી હતી. આખરે પાયલોટે ઓછી વિઝિબિલિટી છતાં એટીસી સાથે કોર્ડિનેશન કરી ફ્લાઈટને લેન્ડ કરાવવામાં સફળતા મેળવી હતી.

વ્રજચોક પર ભુવો પડ્યો
આજે સવારે વ્રજચોક પાસે ખાડીની બંને તરફનો રોડ બેસી ગયો હતો. જેના લીધે એટલો મોટો ખાડો પડી ગયો હતો કે તેમાં આખે આખો ટ્રક સમાઈ જાય. આ તરફ પર્વત ગામમાં સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી પ્રવેશ્યા હતા. વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી. શિક્ષકોએ હાથ પકડી બાળકોને બહાર લઈ જવા પડ્યા હતા.

કાપડ માર્કેટોમાં પાણી ભરાયા
સુરત શહેરની સાથોસાથ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ હતી, જેના લીધે ભાઠેના, પર્વત પાટિયા, લિંબાયત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે અનેક માર્કેટો બંધ રાખવાની ફરજ પડી હતી. ખાડી પુર ને લીધે રઘુકુલ અને શિવશકિત માર્કેટમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં કાપડનો જથ્થો બેઝમેન્ટથી કાઢી પ્રથમ માળે શિફ્ટ કરવો પડ્યો હતો.

ખાડીમાં જળસ્તર વધ્યું
સુરત શહેર અને ઉપરવાસમાં ગઈકાલે બપોર બાદથી પડી રહેલાં ભારે વરસાદના લીધે શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ખાડીઓ ઓવરફલો થઈ રહી છે. જેના લીધે પર્વત પાટીયા મેઈન રોડ પર પાણી ભરાયા છે. રાજહંસ ફેબ્રિજો, સંસ્કૃતિ માર્કેટ સહિતની માકેટો બંધ કરવી પડી છે. અનેક માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે.

અનેક શાળાઓમાં રજા જાહેર કરાઈ
રવિવારે સાંજે ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમા રજા જાહેર કરવા અંગે વિવેકબુદ્ધીથી શાળાઓને નિર્ણય કરવા મેસેજ વહેતો કર્યો હતો, જેથી આજે સોમવારે શહેરની મોટાભાગની ખાનગી સહિતની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top