સુરત (Surat) : પાંચ વર્ષ સુધી સ્થાનિક લોકો સાથેના વિવાદ બાદ આખરે જેમતેમ પૂર્ણ થયેલો પાલ-ઉમરા બ્રિજ (Pal Umra Bridge) એક વર્ષ પહેલા એટલે કે 11 જુલાઇ-2021ના રોજ મનપા કમિશનર (SMC Commissioner) બંછાનિધિ પાનીના (Banchanidhi Pani) અથાક પ્રયાસો બાદ લોકાપર્ણ થયો હતો. આ બ્રિજ શરૂ થતાં પાલ અને ઉમરા બંને બાજુ મળી આશરે 15 લાખ લોકોને મોટી સુવિધા ઉપલબ્ધ થઇ હતી. જો કે, બરાબર એક વર્ષમાં માત્ર બે દિવસ બાકી છે, ત્યારે એટલે કે 9 જુલાઇએ પાલ-ઉમરા બ્રિજ પર સતત વરસાદના પગલે મોટો ભૂવો પડતાં ઇજારદારની બેદરકારી બહાર આવી હતી.
શહેરમાં 6 વૃક્ષ ધરાશાયી : ડભોલીમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો
સુરત : શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સાથોસાથ ઝાડ પડવા સહિતના બનાવો પણ બની રહ્યા છે. શનિવારે મળસકે ડભોલી વિસ્તારમાં ભારેખમ ઝાડ સોસાયટીની બહાર પાર્ક કરેલી એક કાર અને સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર પડતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ઝાડ પડવાને લીધે કારને નુકસાન થવાની સાથે થાંભલો પણ નમી ગયો હતો. જો કે, ફાયરબ્રિગ્રેડના કર્મીઓએ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને નિયત્રંણમાં લઈ લીધી હતી. આ સિવાય શહેરમાં અન્ય બે સ્થળે ઝાડ પડવાના અને ભાગળ પર દાદરની છત પડવાના કિસ્સા પણ બન્યા હતા.
વિસ્તૃત વિગતો મુજબ ડભોલી ચાર રસ્તા ખાતે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જિગ્નેશ સોનાણીએ ગઈ કાલે પોતાની કાર સોસાયટીની બહાર આવેલા મંદિર પાસે પાર્ક કરેલી હતી. દરમિયાન મળસકે ૭.૫૯ કલાકે ફાયર કન્ટ્રોલમાં કોલ મળ્યો હતો કે કાર ઉપર ઝાડ પડ્યું છે. જેથી ફાયરબ્રિગ્રેડના જવાનો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઝાડ કાર ઉપર પડવાની સાથે સ્ટ્રીટ લાઈટ ઉપર પણ પડ્યો હતો. જેના પગલે કારના બોનેટ અને છતના ભાગને નુકસાન થયું હતું. જ્યારે સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ નમી ગયો હતો. ફાયરકર્મીઓએ ભારેખમ ઝાડ ખસેડી કાર બહાર કાઢી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હતી.
આ ઉપરાંત મોટા વરાછા ગજેરા સ્કૂલ પાસે અને વરિયાવથી આગળ મેઈન રોડ પર પણ ઝાડ પડવાના બે બનાવ બન્યા હતા. દરમિયાન ભાગળ પર બાલાજી રોડ નાની છીપવાવ પાસે એક જૂના મકાનનો દાદરના છતનો ભાગ મોડી સાંજે અચાનક જ પડ્યો હતો. જેને કારણે આજુબાજુમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા. આ બનાવને પગલે લોકોએ ફાયરબ્રિગ્રેડને જાણ કરતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે, આ બનાવમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉપરાંત લંબે હનુમાન રોડ પર માતાવાડી ખાતે વર્ષા સોસાયટી નજીક, સુમુલ ડેરી રોડ અલકાપુરી સોસાયટી પાસે, અડાજણના સંઘવી ટાવર પાછળ ગાયત્રી સોસાયટી પાસે, વેસુના હેપ્પી રેસિડેન્સી આગળ, કતારગામ ઝોનમાં હરિઓમ મિલ નજીક ઝાડ તૂટી પડ્યું હતું. જેના લીધે ફાયરબ્રિગેડના જવાનો તે વિસ્તારોમાં જઇ ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.