ભરૂચ: ચોમાસાની ઋતુ પુરા થતા પહેલા મેઘાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. (Heavy rain in Bharuch) મધરાત્રે ધમાકેદાર વરસાદની શરૂઆત થતા આખા દિવસના ૨૪ કલાકમાં હાંસોટ તાલુકામાં 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આખા ભરૂચ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સાતપુડા તળેટીના એક ડેમ ઓવરફલો થયા બાદ અન્ય બે ડેમોમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો હતો. ભરૂચ શહેરમાં વરસાદ વધારે પડતા કસક વિસ્તારમાં ગટરોનું પાણી બહાર નીકળતા રોડ પર પાણી ફરી વળ્યા હતા.
- અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ પાસે પાણી ભરાતા વાહનચાલકોની કફોડી હાલત
- ભારે વરસાદના લીધે ભરૂચમાં ગટર લાઈનો ઉભરાઈ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
- ધોલી ડેમ પહેલીવાર ઓવરફ્લો થયો, હાંસોટમાં 5.50, અંકલેશ્વરમ-વાગરા-વાલિયામાં 3.75 ઇંચ વરસાદ: વાલીયા તાલુકા પંચાયતમાં વીજળી પડી
નેશનલ હાઈવે રોડ પર ઝાડેશ્વરથી આરટીઓ કચેરી સુધી બિસ્માર જુના બ્રીજને કારણે લગભગ પાંચેક કિમી રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો છે. વાલિયા તાલુકા પંચાયત કચેરીની પાછળના ભાગે આવેલા એક ઝાડ પર વીજળી પડી હતી. જોકે, સદનશીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. હાઈવે પર જનારા લોકોએ પોતાનો પ્લાન બદલવો પડી રહ્યો છે. ચક્કાજામના લીધે કલાકો બગડી રહ્યાં છે.
આ અગાઉ સોમવારે સાંજે ૪ વાગ્યાથી વરસાદની ધમાકેદાર વરસાદની શુભ શરૂઆત થઇ ગઈ હતી. કડાકા ભડાકા સાથે મેઘ મલ્હાર થતા ચોમાસાની સિઝનમાં અઢી મહિનાનો ટાર્ગેટ પૂરો કરી દીધો હતો. સવારે-૬થી બીજા દિવસે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં આમોદ તાલુકામાં ૩૮ મીમી,અંકલેશ્વરમાં ૯૧ મીમી, ભરૂચમાં ૭૯ મીમી,સૌથી વધારે વરસાદ હાંસોટમાં ૧૩૫ મીમી, જંબુસરમાં ૫૩ મીમી,નેત્રંગમાં ૭૭ મીમી, વાગરામાં ૯૫ મીમી,વાલિયામાં ૯૨ મીમી અને ઝઘડિયામાં ૭૬ મીમી વરસાદ પડ્યો હતો.
ભરૂચ શહેરમાં ઇન્દિરા નગરમાં લગભગ દોઢસો ઝુપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. આ ઝુપડપટ્ટીમાં લગભગ ૪૫૦ જેટલા લોકો બહાર આવી ગયા હતા. આ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. ઝુંપડપટ્ટીના રહીશ ઇકબાલભાઈએ કહ્યું કે મધરાત્રે વરસાદ વધારે પડતા નીચાણવાળા ઇન્દિરા નગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. રહીશો તેમના સામાન વગર બહાર રોડ પર આવી ગયા છે. તેમને ખાવા-પીવાની તકલીફ પડશે. જો કે ભાદરવા મહીને મુશળધાર વરસાદથી આકાશી ખેતી કરનારા ખેડૂતોને નુકશાન થવાના અણસાર લાગી રહ્યા છે.
નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ધોલી ડેમ ઓવરફ્લો થયો
ઉપરવાસમાંથી 93,906 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની જળ સપાટી 125 મીટરને પાર કરી ગઈ છે. હાલ 125.12 મીટર સપાટી થતાં નર્મદા ડેમ 65 ટકા ભરાયો છે. નર્મદા ડેમમાં હાલ 5845.57 MCM લાઈવ સ્ટોરેજ છે. આ ઉપરાંત બલદેવા ડેમની સપાટી 139.7૦ મીટર છે. પીંગોટ ડેમની સપાટી 138.25 મીટર તેમજ ધોલી ડેમ ૧૩૬.20 મીટર ભરાતાં પાંચ સેન્ટિમીટર ઓવરફ્લો થઇ રહ્યો છે. બલદેવા ડેમમાં પાણીનો ભરાવો ૬૦ ટકા, પીંગોટ ડેમમાં ૬૯.૨૮ ટકા અને ધોલી ડેમ ૧૦૦ ટકા ભરાઈને પાંચ સેન્ટિમીટર ઓવરફ્લો થઇ રહ્યો છે. જો કે, ભાદરવા મહિનામાં સોમવારે પડેલા મુશળધાર વરસાદથી આકાશી ખેતી કરનારા ખેડૂતોને નુકસાન થવાનાં અણસાર લાગી રહ્યા છે.
ભરૂચ જીલ્લાના ત્રણેય ડેમોમાં પાણીની સપાટી
ડેમો પાણીની સપાટી – ઓવરફલોની સપાટી – ઓવરફલોથી કેટલા મીટર દુર
- બલદેવા ડેમ- ૧૩૯.૭૦ મીટર- ૧૪૧.૫૦ મીટર- ૧.૮૦ મીટર
- પીંગોટ ડેમ- ૧૩૮.૨૫ મીટર- ૧૩૯.૭૦ મીટર- ૧.૪૫ મીટર
રાજપીપળામાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ, કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ
રાજપીપળા ખાતે રાતના 7 વાગ્યાથી વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો, જેમાં શહેરમાં ઠેરઠેર રસ્તા પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે અમુક વિસ્તારો વીજ પુરવઠો ખોરવાયો હતો. મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો ડેડિયાપાડા તાલુકો-૧૨૫૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે છે. જ્યારે તિલકવાડા તાલુકો-૧૦૨૦ મિ.મિ. સાથે દ્વિતીય સ્થાને, નાંદોદ તાલુકો-૯૨૫ મિ.મિ સાથે તૃતીય સ્થાને, સાગબારા તાલુકો-૮૨૨ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને ગરૂડેશ્વર તાલુકો-૬૧૨ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૨૫.૧૨. મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૧૪.૬૬ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૫.૫૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૫.૫૦ મીટરની સપાટી છે. જ્યારે નર્મદા નદીના ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૧૦ મીટર છે.