SURAT

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, તંત્રએ આપી આ ચેતવણી

સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

  • દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી
  • જિલ્લામાં ઓલપાડમાં 3 મીમી, માંગરોળમાં 6 મીમી અને સુરતમાં 5 મીમી વરસાદ નોંધાયો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 5 દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે. જોકે વરસાદની આગાહીને લઈને દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જિલ્લામાં ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે.

વિતેલા ચોવીસ કલાકમાં માત્ર ઓલપાડમાં 3 મીમી, સુરતમાં 5 મીમી અને માંગરોળમાં 6 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય ઉકાઈ ડેમની ઉપરવાસમાં પણ ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે. ઉપરવાસમાં વરસાદના વિરામ વચ્ચે ઉકાઈ ડેમમાં 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 306.41 ફુટ નોંધાઈ હતી.

વરસાદના વિરામ વચ્ચે તાપમાનમાં વધારો
ગઈકાલ મંગળવાર બપોર પછી વરસાદે વિરામ નોંધાવ્યો છે. વરસાદના વિરામ વચ્ચે શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી વધારા સાથે 32.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી વધીને 28.8 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી જેટલું વધવાની સાથે ભેજનું પ્રમાણ 80 ટકા સુધી નોંધાતા રાતે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.

ઉકાઇ ડેમની સપાટી ગયા વરસથી સરખામણીમાં 1.7 ફુટ નીચી
ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની વાત કરીએ તો ગયા વરસે એટેલે 2023-જૂન મહિનામાં ડેમમાં 2.32 ઇંચ વરસાદ ખાબકયો હતો. ડેમની સપાટી ગયા વરસે 308.79 ફુટ હતી. જયારે ડેમમાં 2561 એમસીએમ પાણી હતું. ડેમમાં ગયા વરસે 1877 લાઇવ સ્ટોરેજ હતો. તેની સામે ચાલુ વરસે એટલે કે જૂન-2024ની તવારીખ જોઇએ તો આ વરસે ડેમમાં 5.26 ઇંચ વરસાદ ખાબકયો છે. પરંતુ સપાટી ગયા વરસની સરખામણીમાં 1.7 ફુટ નીચી છે. ડેમની આ વરસે સપાટી 306.41 ફુટ નોંધાઇ છે. આ વરસે ડેમમાં લાઇવ સ્ટોરેજ પણ 1743.31 એમસીએમ હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top