Gujarat

સાતમ-આઠમ પર મેઘરાજા ભીંજવશે, 26 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ વાતાવરણમાં પલટો આવવા સાથે ફરી એકવાર ગરમી વધી છે. સુરતમાં ગરમી સાથે વધેલા બફારાના લીધે લોકો અકળામણ અનુભવી રહ્યાં છે. ફરી એકવાર એરકન્ડીશનર શરૂ થતા વીજ મીટરો ઝડપથી ફરવા લાગ્યા છે ત્યારે ગુજરાતીઓને રાહત આપતા સમાચાર આવ્યા છે.

રાજ્યના આકાશમાં ફરી એકવાર કાળાં વાદળો ઘેરો નાંખશે અને સાતમ-આઠમ પર ગુજરાતીઓને મેઘરાજા ભીંજવશે તેવા સંજોગો ઉજળા થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 22થી 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

મેઘરાજાએ લાંબા સમયથી બ્રેક લીધો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં 21 ઓગસ્ટે જ્યારે આજે તા. 22 ઓગસ્ટે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે, પરંતુ વરસાદી વાદળો હટવા સાથે જ ફરી એકવાર તીર જેવો તાપ પડવા લાગે છે. વરસાદ બાદના બફારાથી ગુજરાતીઓ અકળાઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી અઠવાડિયું રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાતમ અને આઠમના દિવસોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તા. 24-25 અને 26 ઓગસ્ટના રોજ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ
ગુજરાતના આભ પર ફરી એકવાર એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થયા છે. અરબ સાગરમાં હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તથા બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેના લીધે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં 9 ઈંચ કરતા વધુ વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

Most Popular

To Top