રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે, ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના ડિરેક્ટર ડો. એ.કે. દાસે કહ્યું કે, ભારે વરસાદ સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવ રહેશે. માછીમારોએ દરિયો ન ખેડવો. તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ મુકાયું છે.
હવામાન વિભાગે શું આગાહી કરી?
અરબ સાગરમાં ફરી એકવાર ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. આ નવી સિસ્ટમના લીધે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે 50 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.
મહુવામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો
આજે વહેલી સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં મળસ્કેથી વરસાદ શરૂ થયો છે. ભાવનગરના મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના લીધે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોના પેટમાં ફાળ પડી છે. હજુ બે-ત્રણ દિવસ પહેલાં પડેલાં વરસાદે પાક ધોઈ નાંખ્યો હતો, ત્યારે ખેડૂતો જે કંઈ બચાવી શકાય તે બચાવવાની મથામણ કરી રહ્યાં હતાં ત્યારે ફરી મેઘરાજા કોપાયમાન થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
દરમિયાન જાણવા મળ્યા મુજબ અમરેલી, ઉના, રાજુલા, મહીસાગર, ગાંધીનગરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ-સુરતમાં વાદળો ઘેરાયા છે. સુરતમાં સવારથી જ વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.
સવારે 6થી 2 સુધીમાં મહુવામાં 3 ઈંચ, તળાજામાં 2 ઈંચ, સિહોર અને પાલીતાણા પંથકમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી છે.
સુરત-દીવ ફ્લાઈટ રદ
રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાતા વિઝિબિલિટી ઘટી છે, તેના પરિણામે ફ્લાઈટની અવરજવર પર પણ અસર પહોંચી છે. દીવ એરપોર્ટ પરના ખરાબ હવામાનના કારણે સ્ટાર એરની ફ્લાઇટ નંબર 6E 7968 જે સુરતથી દીવ જતી હતી, તે આજે રદ્દ કરવામાં આવી છે. આ ફ્લાઇટ રદ્દ થવાના કારણે સુરતથી દીવ જઈ રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એરલાઈને મુસાફરોને તેમની ટિકિટ અંગે વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિફંડ માટે સંપર્ક કરવા જણાવ્યું છે.