સાયણ: ઓલપાડ તાલુકાના કાંઠાની દરિયાઈ પટ્ટીના ગામોમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતા તાલુકાનાં ચાર ગામોમાં શ્રમિકોના પરિવારને પારાવાર નુકસાન થયું હતું. ઉપરાંત પારડી ઝાંખરી ગામે સ્મશાનભૂમિની દીવાલ ધરાશાયી થઈ હોવાનો રિપોર્ટ ગામના તલાટીઓએ મામલતદાર અને ટીડીઓને કર્યો છે. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ભાંડુત ગામે એક મહિલા ઉપર દીવાલ પડતાં તેને સારવાર અર્થે સુરત શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઓલપાડ તાલુકાની દરિયાઈ પટ્ટીના કાંઠા વિસ્તારના છેવાડાના ચાર ગામોમાં વરસાદ અને વાવાઝોડાને કારણે પારાવાર નુકસાન થયું હતું. કાંઠાના સરસ ગામે ગત તા.૨૫ના રોજ રાત્રે ૧ કલાકે ભારે પવનના સુસવાટા સાથે પડેલા ધોધમાર વરસાદમાં ઇન્દિરા આવાસના મકાન નં.૫૫૭માં રહેતા પ્રવીણ રાઠોડના મકાનની દીવાલ ધરાશાયી થયા બાદ મકાનના છાપરાનાં પતરાં હવામાં ફંગોરાયા હતાં. જેથી શ્રમિક પરિવારનો ઘરવખરીનો સામાન પાણીમાં પીલળી ગયો હતો. જ્યારે તે જ દિવસે છેવાડાના ભાંડુત ગામે રાત્રે ૧૧:૩૦ કલાકના સુમારે પાંજર ફળિયામાં મકાન નં.૩૫૨માં રહેતા દેવજીભાઈ ગંગારામના પતરાંવાળા કાચા ઘરની દીવાલ ઉપર બાજુના મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેથી શ્રમિક પરિવારનું મકાન જમીનદોસ્ત થતાં તેમનો ઘરવખરીનો સામાન પાણીમાં ગરકાવ થવાથી નુકસાન થયું હતું.
જ્યારે આ ફળિયામાં રહેતી ભાવનાબેન તુષારભાઈ પટેલ (ઉ.વ.૨૮)ના મકાનની કાચી દીવાલ તેણી ઉપર પડતાં તે દીવાલ નીચે દબાવાથી તેને ઇજા થતાં સારવાર અર્થે સુરત શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો લવાછા ગામે ગત તા.૨૬ના રોજ સાંજે ૬:૪૫ કલાકના સુમારે ભારે પવનના સુસવાટા સાથે પડેલા વરસાદમાં ગામના નરસંગ ફળિયામાં રહેતા રાજેશ જીવણ પટેલનું કાચું મકાન જમીનદોસ્ત થતાં ઘરવખરીના સામાન સહિત મકાનને નુકસાન થયું હતું. જ્યારે પારડી ઝાંખરી ગામે તા.૨૬ના રોજ સાંજે ૫ કલાકના સુમારે પડેલા ભારે વરસાદના કારણે ગામની સ્મશાનભૂમિની દીવાલ ધરાશાયી થતાં નુકસાન થયું હતું. જો કે, સમગ્ર તારાજી દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં શ્રમિક પરિવારજનો સહિત સરકારી તંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે આ અસરગ્રસ્ત પરિવારને નુકસાની પેટે વળતર મળે તે માટે ગામના તલાટી કમ મંત્રીઓએ આ બાબતનો રિપોર્ટ ઓલપાડ મામલતદાર સહિત ટીડીઓને સુપરત કર્યો છે.