Dakshin Gujarat

વલસાડમાં ઘી, તેલ, દુધ, પનીરમાં ભારે મિલાવટ, કશું જ ખાવાલાયક નથી!, જાણો ક્યાં કયાં ભેળસેળ પકડાઈ

વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી અનેક નામી હોટેલોમાં ગંદકીના કારણે બંધ કરાવાઇ છે. તાજેતરમાં જ હાઇવે સ્થિત કેએફસીમાં પારાવાર ગંદકી જોવા મળતાં તેને બંધ કરાવાઇ હતી.

  • ફૂડ સેફ્ટી વિભાગે 8 કેસ કરી રૂ. 5.95 લાખનો દંડ ફટકાર્યો

વલસાડ ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા આ પ્રકારના ચકાસણી અભિયાન અને એક્શન ચાલતી જ રહેતી હોય છે. તેમના દ્વારા જૂન-2025 દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઇ તેનું પરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન ઘી, તેલ, દુધ અને પનીરના નમૂના ફેલ થયા હતા. જે અંતર્ગત વલસાડની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા 8 કેસોમાં કુલ રૂ. 5,95,000 નો દંડ ફટકાર્યો છે.

જિલ્લા ડિઝાઇગ્નેટેડ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા કોર્ટમાં ગુંદલાવની જય શ્રી ચમુંડા ડેરીનું દુધ ગુણવત્તા વિહીન હોવાને કારણે તેની સામે કેસ કરાતા તેને 5000 નો દંડ ફટકારાયો છે. આ સિવાય કપરાડા નાનાપોંઢાના મહાલક્ષ્મી કિરાણાનું શુદ્ધ આહાર પ્યોર ઘી ના નમૂનામાં ખામી જણાતા તેની વિરૂદ્ધ કેસ કરાતા તેને 1,10,000નો દંડ ફટકારાયો હતો. ઉમરગામ ભીલાડના તિરુપતિ એજન્સીનું કેપ્ટન રાઇસબીન ઓઇલ ગુણવત્તા વિહિન જણાતા તેને 1,15,000 નો દંડ ફટકારાયો હતો.

વાપી ચલાના શ્રી શિવ શક્તિ ઓઇલ મિલનું શ્રી શિવ શક્તિ મસ્ટર્ડ ઓઇલમાં ખામી મળતાં તેને 100000 નો દંડ કરાયો હતો. જીઆઇડીસી ચાર રસ્તા નજીક ઓધવ ઓઇલ્સના ફોર્ટીંગ પ્યોર મસ્ટર્ડ ઓઇલ ગુણવત્તાવિહિન હોવાનું જણાતા રૂ. 115000 નો દંડ થયો હતો. ધરમપુર રાજમહેલ રોડ સ્થિત શ્રી રાજ એન્ટરપ્રાઇઝ (Sigar N Spice)નું પનીર ગુણવત્તા વિહિન હોવાનું સામે આવતાં 15000નો દંડ કરાયો હતો.

ઉમરગામના સરીગામમાં રામદેવ કિરાણા સ્ટોર ઘોડા રાઇસબીન ઓઇલમાં ગુણવત્તા ન જણાતા તેને 115000નો દંડ ફટકારાયો હતો. ઉદવાડાના રેંટલાવ સાગર કિરાણા સ્ટોરમાં મળતી કાન્હા નમકીન વેફરના નમૂનામાં ખામી જણાતાં તેને 20000નો દંડ ફટકારાયો હતો.

વલસાડમાં ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ ચેકિંગને લઇ ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખાસ કરીને ઔદ્યોગિક નગરી વાપી તેમજ ઉમરગામમાં અનેક દુકાનદારો ભેળસેળ યુક્ત વસ્તુઓ વેંચતા હોવાનું વખતો વખત બહાર આવ્યું છે. તેમની સામે સકંજો કસાતા તેમનામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Most Popular

To Top