ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરવાની સંમતિના લગભગ એક વર્ષ પછી, બંને દેશોએ વચગાળાના કરાર પર સંમતિ સાધીને પ્રથમ પગલું ભર્યું, આ કરાર આ બંને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચેના ખરાબ સંબંધોના સમયગાળાનો અંત લાવે એવી આશા સર્જાઇ હતી , જે સંબંધો બગડવાની શરૂઆત ઓગસ્ટ 2025 માં થઈ હતી જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી થતી આયાત પર 25% ટેરિફ લાદ્યા હતા અને રશિયન ક્રૂડ ઓઈલની આયાત કરવા બદલ દંડ તરીકે વધારાના 25% ટેરિફ ઝીંક્યા હતા.
વચગાળાના કરારના મુસદ્દામાં એવું નક્કી થયું કે અમેરિકા ભારતની આયાત પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કરશે, જ્યારે ભારત કેટલીક મહત્વપૂર્ણ છૂટછાટો આપશે. પ્રથમ, ભારત અમેરિકાથી આયાત થતી તમામ ઔદ્યોગિક વસ્તુઓ અને ખાદ્ય તેમજ કૃષિ પેદાશોની વિશાળ શ્રેણી પરના ટેરિફ અને બિન-ટેરિફ અવરોધોને નાબૂદ કરશે અથવા ઘટાડશે. બીજું, સંયુક્ત નિવેદન સાથે બહાર પાડવામાં આવેલા ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, ભારત રશિયન તેલની સીધી કે આડકતરી રીતે આયાત કરવાનું બંધ કરશે.
ખેત પેદાશો માટે અમેરિકાનું બજાર ખુલ્લુ મૂકી દેવાની વાત અને રશિયન ઓઇલ નહીં મંગાવવાની વાતે ભારતમાં ખાસ્સો વિવાદ સર્જ્યો. કૃષિ પેદાશોના મામલે ખેડૂતોએ વિરોધ પ્રદર્શનો પણ કર્યા, જો કે સરકારે કરેલા ખુલાસાઓ પછી મામલો કંઇક શાંત થયો અને હવે કરાર થઇ જશે એવું લાગતું હતું. પરંતુ અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના વૈશ્વિક ટેરિફોને ગેરકાયદે ઠરાવ્યા અને રદ કર્યા, તે પછી ફરી સંજોગ બદલાયા. સુપ્રીમ કોર્ટના આદેશની ટીકા કરવાની સાથે ટ્રમ્પે નવેસરથી હંગામી દસ ટકા ટેરિફો જુદા કાયદા હેઠળ લાદ્યા. ભારત માટે ટેરિફ મામલે ફરી ગુંચવાડો ઉભો થયો. હવે ભારત સરકારે જાહેર કર્યું છે કે અમેરિકાના ટેરિફ માળખા અંગે સ્પષ્ટતા થશે પછી જ આ કરાર થશે.
ભારત અને અમેરિકા વચ્ચેના સૂચિત વેપાર કરાર પર હસ્તાક્ષર ત્યારે જ થશે જ્યારે વોશિંગ્ટન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા નવા ટેરિફ (જકાત) માળખા પર સ્થિતિ સ્પષ્ટ થશે, તેમ સરકારે સોમવારે જણાવ્યું હતું. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશો હાલમાં કરારની ઝીણવટભરી વિગતો પર ચર્ચા કરી રહ્યા છે, જે સૂચવે છે કે વાટાઘાટો હજુ પ્રગતિમાં છે. અગ્રવાલે ઉમેર્યું હતું કે, અમે અત્યારે અમેરિકા સાથે વિગતો પર વાત કરી રહ્યા છીએ અને નવું ટેરિફ આર્કિટેક્ચર અમલમાં આવ્યા બાદ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
આ વચગાળાનો વેપાર કરાર, જેનું માળખું ગયા મહિને નક્કી કરવામાં આવ્યું હતું, તેના પર અગાઉ માર્ચમાં સાઇન થવાની અપેક્ષા હતી. જોકે, અમેરિકાની વેપાર નીતિમાં આવેલા બદલાવને કારણે આ સમયરેખા લંબાઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા વ્યાપક ટેરિફને તાજેતરમાં યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા, જેનાથી જૂનું ટેરિફ માળખું દૂર થઈ ગયું હતું.
આ ચુકાદા પછી, યુએસ વહીવટીતંત્રે પેમેન્ટ બેલેન્સની ચિંતાઓને કારણે કલમ 122 હેઠળ તમામ દેશોની આયાત પર 10% કામચલાઉ ટેરિફ લાદ્યો છે, જે આગામી પાંચ મહિના સુધી ચાલુ રહી શકે છે. આ બદલાયેલા સંજોગોને કારણે બંને દેશોના મુખ્ય વાટાઘાટકારોની બેઠક પણ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ભારત આ કરાર દ્વારા અમેરિકી બજારમાં સ્પર્ધાત્મક લાભ મેળવવા ઈચ્છે છે. શરૂઆતના માળખા મુજબ, ભારતીય માલસામાન પરનો ટેરિફ 50% થી ઘટાડીને 18% કરવાની દરખાસ્ત હતી, જે ભારતને ચીન, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા હરીફો સામે મજબૂત સ્થિતિમાં મૂકતે. જો કે, હવે અંતિમ ટેરિફ રેટ અમેરિકાના નવા માળખા પર નિર્ભર રહેશે.
વાણિજ્ય સચિવે જણાવ્યું કે અત્યારે નોન-ટેરિફ બેરિયર્સ અને સેક્શન 232 હેઠળની વિગતો પર કામ ચાલી રહ્યું છે જેથી ભવિષ્યમાં કોઈ વિલંબ ન થાય. બીજી તરફ, યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા ભારત અને ચીન સહિતના દેશોની ઔદ્યોગિક નીતિઓ અને ફોર્સ્ડ લેબર (બળજબરીથી મજૂરી) સંબંધિત તપાસ પણ ચાલી રહી છે. ભારતીય અધિકારીઓ આ તપાસનો અભ્યાસ કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે વેપાર કરાર સાઇન થતાની સાથે જ આમાંના ઘણા મુદ્દાઓ ઉકેલાઈ જશે. હવે શું થાય છે તે જોવાનું રહે છે.