Gujarat

રાજ્યમાં 72 કલાક માટે હીટવેવની ચેતવણી : ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો

ગાંધીનગર: રાજ્યમાં આગામી 72 કલાક માટે હીટ વેવની (Heat Wave) ચેતવણી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને સીધા ગરમીમાં (Heat) જવાનું ટાળીને સતત પાણી, લીંબુ પાણી તથા છાશ સતત પીતા રહેવાની પીવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યમાં સરેરાશ ગરમીનો પારો 40 ડિગ્રીએ (Degree) પહોંચી ગયો હતો.

  • અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢમાં હીટવેવની અસર વર્તાશે
  • અમદાવાદમાં 39, ભાવનગરમાં 38, રાજકોટમાં 40, વડોદરામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું
  • લોકોને સીધા ગરમીમાં જવાનું ટાળી સતત પાણી, છાશ, લીંબુ પાણી પીતા રહેવા તબીબની સલાહ

હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને જુનાગઢમાં હીટ વેવની અસર વર્તાશે. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 39 ડિ.સે., ગાંધીનગરમાં 31 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 38 ડિ.સે., વડોદરામાં 38 ડિ.સે., સુરતમાં 39 ડિ.સે., વલસાડમાં 37 ડિ.સે., ભૂજમાં 40 ડિ.સે., નલિયામાં 40 ડિ.સે., ભાવનગરમાં 38 ડિ.સે., રાજકોટમાં 40 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 40 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

નવસારીમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રીએ પહોચતા લોકો શેકાયા
નવસારી : નવસારીમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. તેમજ લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 18 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે ગરમીનો પારો 39 ડિગ્રી કરતા વધુ નોંધાતા દિવસ દરમિયાન ગરમીમાં લોકો શેકાયા હતા. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 22.0 ડિગ્રી, મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 % ટકા રહ્યું હતું.

નવસારીમાં છેલ્લા ઘણા દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગત ગુરૂવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયા બાદથી મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. જેથી નવસારીમાં ગરમીમાં પણ વધારો થઇ રહ્યો છે. ગત રોજ ગરમીનો પારો 38 ડિગ્રી કરતા વધુ નોંધાયો હતો. જ્યારે આજે સોમવારે ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ દોઢ ડિગ્રીનો વધારો થતા નવસારીમાં ગરમી સાથે બફારા રહેતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. આજે સોમવારે મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી વધતા 39.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધતા 18 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 19 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 3.6 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top