SURAT

સુરત મનપાની સામાન્ય સભામાં પહેલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ વચ્ચે ગરમાગરમી

સુરત: જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત દેશના 28 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની સામાન્યસભામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શાસક અને વિપક્ષના કોર્પોરેટરો સફેદ વસ્ત્રો પહેરીને ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

  • વિપક્ષના કોર્પોરેટરોને ‘દેશદ્રોહી’ કહેતાં વ્રજેશ ઉનડકટે ઉશ્કેર્યો વિવાદ, મેયર પર પક્ષપાતનો આરોપ

જોકે, સભા દરમિયાન ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટના એક નિવેદનથી મામલો ગરમાયો, જેના કારણે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

વિવાદનું કેન્દ્ર: ‘દેશદ્રોહી’ શબ્દ
સભા દરમિયાન વિપક્ષના કોર્પોરેટર મહેશ અણધડે ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “આતંકવાદની કમર તોડવા માટે નોટબંધી કરવામાં આવી હોવાનું ભાજપ દ્વારા કહેવાયું હતું, પરંતુ આજે પણ આતંકી હુમલા ચાલુ છે. જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પણ આતંકવાદ અટક્યો નથી. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે, તો પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓ રાજ્યમાં કેવી રીતે ઘૂસી ગયા? દેશની સુરક્ષા સાથે રાજ્યની સરહદોની સુરક્ષા પણ જરૂરી છે.”

આ આક્ષેપોનો જવાબ આપતાં ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટે વિપક્ષના કોર્પોરેટરોને “દેશદ્રોહી” ગણાવ્યા. તેમણે જણાવ્યું, “દેશની સેના સામે સવાલો ઉઠાવનારા લોકો આતંકવાદ દૂર કરવાની માંગણી કરે છે, આવા લોકો દેશદ્રોહી છે.” આ નિવેદનથી વિપક્ષ ભડકી ઉઠ્યું અને ઉનડકટ પાસે “દેશદ્રોહી” શબ્દ પાછો ખેંચવાની માંગણી કરી. જોકે, ઉનડકટે શબ્દ પાછો ખેંચવાનો ઇનકાર કરતાં હોબાળો મચી ગયો. વિપક્ષે ઉનડકટને સસ્પેન્ડ કરવાની માંગણી પણ કરી.

મેયર પર પક્ષપાતનો આરોપ
મામલો ગરમાતાં મેયર દક્ષેશ માવાણીએ દરમિયાનગીરી કરી વિવાદ શાંત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમણે વ્રજેશ ઉનડકટ સામે કોઈ પગલાં લેવાને બદલે વિપક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિપક્ષે મેયર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો. વિપક્ષે દાવો કર્યો કે મેયરે તેમના પદની ગરિમા જાળવી નથી અને શાસક પક્ષનું સમર્થન કર્યું છે. આ બબાલ બાદ સામાન્યસભાની કાર્યસૂચિ પરના તમામ કામો એકસાથે મંજૂર કરી સભા આટોપી લેવામાં આવી.

મેયરે શું કહ્યું?
પક્ષપાતના આક્ષેપ અંગે મેયર દક્ષેશ માવાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારા માટે સદન ના તમામ સભ્યો સમાન છે. અમે વિપક્ષ ને પૂરતી તક રજૂઆત માટે આપીએ છીએ. જોકે આતંકવાદી હુમલા જેવી ઘટના માં જ્યારે આખો દેશ એક થઈ ને આતંકવાદ સામે લડવા પ્રતિબંધ છે ત્યારે વિપક્ષ તેમાં પણ રાજનીતિ કરે તે યોગ્ય નથી.

વિપક્ષના આક્ષેપો

  • નોટબંધીનો દાવો: ભાજપે આતંકવાદ ખતમ કરવા નોટબંધીનો દાવો કર્યો હતો, પરંતુ આતંકી હુમલા ચાલુ છે.
  • કલમ 370: જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પણ આતંકવાદ અટક્યો નથી.
  • સરહદ સુરક્ષા: ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ રાજ્યમાં ઘૂસી ગયા, જે સરહદ સુરક્ષાનો મુદ્દો ઉઠાવે છે.
  • મેયરનો પક્ષપાત: મેયર દક્ષેશ માવાણીએ વ્રજેશ ઉનડકટ સામે પગલાં ન લઈને શાસક પક્ષનું સમર્થન કર્યું.

Most Popular

To Top