Gujarat

72 કલાક માટે વલસાડ , સુરેન્દ્રનગર તથા કચ્છમાં હીટ વેવની ચેતવણી

ગાંધીનગર : રાજયમાં આગામી 72 કલાક દરમિયાન સુરેન્દ્રનગર (Surendranagar) , વલસાડ (Valsad) તથા કચ્છમાં (Kutch) એમ ત્રણ જિલ્લાઓમાં હીટ વેવની (Heat Wave) ચેતવણી આપવામા આવી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની સિસ્ટમની (Western Disturbances System) અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) માવઠાની (Mawthu) ઘાત ટળી જવા પામી હતી. જયારે આજે રાજયમાં સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી. જયારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરેન્દ્રનગર , કચ્છમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, આજે કચ્છમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 42 ડિ.સે., ગાંધીનગરમાં 41 ડિ.સે., ડીસામાં 41 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 39 ડિ.સે., સુરતમાં 39 ડિ.સે., વલસાડમાં 40 ડિ.સે., ભૂજમાં 41 ડિ.સે., નલિયામાં 36 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 40 ડિ.સે., કંડલા પોર્ટ 36 ડિ.સે., ભાવનગરમાં 38 ડિ.સે.,રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો, પારો 40.8 ડિગ્રીએ પહોંચ્યો
સુરતઃ શહેરમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ આજે શહેરીજનોએ ગરમીનો પ્રકોપ વેઠવો પડ્યો હતો. શહેરમાં બપોરે ગરમીનો પારો 40.8 ડિગ્રીએ પહોંચતા લોકોએ કારણ વગર ઘરોમાંથી નીકળવાનું ટાળ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી તરફથી આવતા પવનો અને અરબ સાગર પરના પવનોને લીધે શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બે દિવસથી વાદળછાયાં વાતાવરણ સાથે ગઈકાલે તો શહેરમાં વહેલી સવારે અમીછાંટણા પણ પડ્યા હતાં. જોકે, આજે આ ઘટના બાદ અચનાક ફરી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આજે શહેરમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળ્યો હતો. ગરમીનો પારો બપોરે દોઢ ડિગ્રી વધતાં તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 26.4 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં આજે હવામાં 18 ટકા ભેજની સાથે 8 કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો.

છેલ્લા પાંચ વર્ષમાં ગરમીના રેકોર્ડના આંકડા: વર્ષ તાપમાન

  • 2017 43.0
  • 2018 41.4
  • 2019 43.6
  • 2020 41.8
  • 2021 40.8

શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધારે ગરમી વર્ષ 2019 માં 43.6 ડિગ્રી નોંધાઈ હતી. આ વખતે ગરમી ગયા વર્ષનો રેકોર્ડ તોડે તો નવાઈ નહીં. કારણકે હજી એપ્રિલ મહિનો પૂરો થવા એક અઠવાડિયાથી વધારે સમય બાકી છે. અને આ સમયમાં ગરમીનો પ્રકોપ હજી વધવાની સંભાવના છે.

Most Popular

To Top