ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગે (Meteorological Department) ફરી એકવાર હીટવેવ (Heat wave) ની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર અને પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતનાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટની (Yellow alert) આગાહી આપી છે. જેથી ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી વધી શકે છે.
- હવામાન વિભાગની આગાહી, આગામી ચાર પાંચ દિવસ ગરમીનું પ્રમાણ વધશે
- હોળી પહેલા જ કાળઝાળ ગરમીનો અહેસાસ
- 38થી 40 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા
ગુજરાત હવામાન વિભાગે આગાહી કરે છે રાજ્યમાં આગામી ચાર પાંચ દિવસ ગરમીનો પારો વધી શકે છે. સૌરોષ્ટ્રના દરિયા કિનારે કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના દીવ, દમણ, દાદરા અને નગર-હવેલી માટે હવામાન વિભાગે પાંચ દિવસ હિટવેવની આગાહી આપી છે. હવામાન વિભાગ અનુસાર હાલ ભલે આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો હોય પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. 10થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે.
ગરમ પવન સાથે કાળઝાળ ગરમીનો અહેસાસ
ગુજરાતમાં હાલ લોકોને હોળી પહેલાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તેમજ ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીએ પહોંચી ગયું છે. પરંતુ આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જશે. જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવન સાથે કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થશે.
ઉત્તર ગુજરાતમાં આગામી ચાર પાંચ દિવસ સુધીમાં ગરમીનો પારો વધી શકે છે
ઉત્તર ગુજરાતમાં તાપમાનનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે છેલ્લા એક અઠવાડિયામાં ગરમીનું પ્રમાણ લગભગ 5 ડિગ્રી સુધીનો વધારો થયો છે. તેમજ શુક્રવારે મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજસ્થાન અને ગુજરાતને જોડતી એક એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહીછે. જેના કારણે આગામી ચાર પાંચ દિવસ સુધી ગરમીનો પારો ધીમે ધીમે વધી શકે છે. આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 38થી 40 ડિગ્રી સુધી વધી શકે છે.