Charchapatra

ગરમીનો ઉપાય- વૃક્ષ વાવેતર

આ વર્ષે સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેના ઉપાય તરીકે વધુ વૃક્ષો વાવવાની અપીલ સોશ્યલ મિડિયા પર હાલ વાયરલ થઈ રહી છે. એમ કહેવાય છે કે દેશમાં 200 કરોડ વૃક્ષો વાવીએ તો ગરમી ઓછી થાય. એ ખરું છે કે વૃક્ષો કાર્બન ઉત્સર્જન શોષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ગરમી વધવાનાં અન્ય અનેક કારણો છે. જેમ કે રાજ્યનાં અનેક કારખાનાંઓમાં વિવિધ પ્રકારનાં રસાયણોનું ઉત્પાદન થાય છે. નવાં બનતાં મકાનો તેમ જ કોર્પોરેટ કચેરીઓમાં કામનો વપરાશ બેહદ વધ્યો છે. વળી જાહેર પરિવહન વ્યવસ્થા ન હોવાના કે નબળી હોવાના કારણે અંગત વાહન ખરીદી અને તેનો વપરાશ પણ ઘણો વધ્યો છે.

ડામરના રસ્તાઓ પણ તાપમાં ગરમી ફેંકે છે. વૃક્ષ વાવેતર સાથે વૃક્ષછેદન અટકાવવા તરફ પણ ધ્યાન આપવું જોઈએ. ગિર તેમ જ રાજપીપળાનાં જંગલોમાં લાકડાની ગેરકાયદેસર ચોરી મોટા પાયે અને ખુલ્લેઆમ વૃક્ષછેદન થયેલ છે. ખેતીની જમીન વેચાઈને ત્યાં રહેણાંક મકાનો બનાવવા માટે વૃક્ષો ઉખેડવામાં આવે છે. ખરેખર તેને અપરાધ ગણી તેની સામે સખત હાથે કામ લેવાવું જોઈએ. પર્યાવરણ અઠવાડિયા દરમ્યાન સરકાર તરફથી રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. પરંતુ તેની માહિતી લોકો સુધી પહોંચતી નથી. તેથી તેનો વિશેષ પ્રચાર થવાની જરૂર છે.
બનાસકાંઠા- અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તમાકુ વિરુદ્ધના અભિયાનને અસરકાર બનાવવા આવા આયોજનની જરૂર
એક રિપોર્ટ અનુસાર હાલ દેશમાં  પુખ્ત વયનાં લોકો જૂદી જૂદી રીતે તમાકુનું સેવન કરે છે અને જેમાંથી 38 (આડત્રીસ)ટકાથી વધુ લોકો ધૂમ્રપાન કરે છે અને 35 (પાંત્રીસ) ટકાથી વધુ લોકો ધૂમ્રપાન સિવાય અન્ય રીતે તમાકુનું સેવન કરે છે.આવા સંજોગોમાં કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નેશનલ મેડિકલ કેમ્પસમાં તમાકુ નિર્મૂલન કેન્દ્ર સ્થાપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કમિશનની સૂચના મુજબ દરેક કોલેજે 24મી સુધીમાં ફરજીયાત સેન્ટર શરૂ કરી દેવાનું છે. કારણ કે કેન્દ્રીય મંત્રી દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 લોન્ચ કરવામાં આવનાર છે, જેમાં દરેક સેન્ટરનું વર્ચ્યુલી ઇમીગ્રેસન કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પઇન 2.0 શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. તમાકુ વિરુદ્ધના અભિયાનને વધુ અસરકારક બનાવવા આવું આયોજન સમગ્ર વર્ષ દરમ્યાન વધુ યોજવામાં આવે તો તેનાં અવશ્ય સ્તુત્ય પરિણામો પ્રાપ્ત થઇ શકે તેમ છે.
પાલનપુર          – મહેશ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top