Charchapatra

હીટ એન્ડ રન એક્સિડન્ટ

રસ્તા પર બેફામ ઝડપે કે ટ્રાફિક નિયમોની અવગણના કરી દોડતાં વાહનો દ્વારા થતાં હીટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં કેન્દ્ર સરકારે આકરી સજાની જોગવાઈ કરવાની સાથે જ દેશભરમાં ટ્રક, બસ જેવા ભારે વાહન ચાલકોમાં વિરોધનો સૂર ઉઠ્યો, હડતાળ પડાઈ અને સરકારે હાલ પૂરતી આ જોગવાઇનું અમલીકરણ સ્થગિત કર્યુ છે. જો કે સરકારનો આ જોગવાઈ કરવાનો ઉદ્દેશ વાહન અકસ્માતો અને તેમાંય હીટ એન્ડ રન કેસ ઓછા થાય સાથે સાથે થતાં દેશમાં વાર્ષિક લાખો લોકો (મોટાભાગે યુવાનો ! ) ના અપમૃત્યુ , કામચલાઉ કે કાયમી અપંગતા અને તેના કારણે જે તે વ્યક્તિ તથા તેના પરિવારજનો પર આવતી શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક પરેશાનીઓ પણ ઓછી થાય તેવો શુભ હોય એમ માની શકાય.

સામાન્ય રીતે ચાલતી વ્યક્તિ સાથે સાયકલ અથડાય તો સાયકલવાળાનો વાંક, સાયકલવાળા સાથે મોટરસાયકલ કે અન્ય ટુ વ્હીલર અથડાય તો ટુ વ્હીલરવાળાનો વાંક, ટુ વ્હીલરવાળા સાથે ફોર વ્હીલરનો અકસ્માત થાય તો ફોર વ્હીલરવાળાનો વાંક હોય એમ માનવામાં આવે છે. આજકાલ ઈમરજન્સી હોય કે ન હોય, સતત ચિંતા અને માનસિક તાણ અનુભવતા લગભગ બધા જ વાહન ચાલકો માટે ઝડપી વાહન હાંકવું એક આદત બની ગઈ હોય એમ લાગે છે. તેમાંય ખાસ કરીને ટીન એજર્સ અને યુવાનોમાં ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ, પાછળ આવતાં વાહનની પરવા કર્યા વિના વાહનને અચાનક વાળી દેવાની કુટેવ ( મોટેભાગે પાછળથી આવતું વાહન અકસ્માત રોકવાની કોશિશ કરે તો પણ નાકામયાબ રહે) , આડેધડ ગમે ત્યાં વાહન પાર્ક કરવું, સર્પાકાર ઝડપી વાહન ચલાવવું જેવી બાબતો અકસ્માત થવા માટે કારણભૂત બને છે. માત્ર કાયદા કે આકરી જોગવાઇઓ કરવાથી અકસ્માતો ઓછા થશે કે અટકી જશે એવું લગીરેય માની લેવાની જરૂર નથી. વાહન ચાલકોની સતર્કતા, કાયદા પાલનની જાગરુકતા, ડ્રાઈવિંગની સાચી સમજ અને કટિબદ્ધતા જ સરકારના શુભ આશયને ફળીભૂત કરી શકશે.
સુરત              – મિતેશ પારેખ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top