વડોદરા: અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ પોલીસ અધિકારીઓએ સયાજી હોસ્પિટલના પટાંગણમાં જ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને 5 લાખની સહાય અપાશે. ગણપતિ વિસર્જનના બંદોબસ્તમાં અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા અરવિંદભાઇ પરમાર છેલ્લા 4 દિવસથી વડોદરા આવ્યા હતા. શનિવારે રાત્રે ડ્યુટી કરીને પરત રોકાણ સ્થળે ફર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે તેઓ ડ્યુટી પર જતા માટે તૈયાર થઇ રહ્યા હતા.
આ દરમિયાન અચાનક જ તેઓને લોહીની ઉલ્ટીઓ થવા લાગી હતી અને બીપી ડાઉન થઇ ગયું હતું. જેથી સાથી કર્મચારીઓ તેઓને સારવાર માટા સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યા હાજર તબીબોએ જવાનને મૃત જાહેર કર્યો હતો. હોમગાર્ડના જવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને તેમના મૃતદેહને અરવલ્લી લઇ જવામાં આવ્યો હતો.
ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારે હોમગાર્ડ જવાન અરવિંદભાઇ પરમાર ફરજ પર જવા માટે નીકળવાના હતા. તે સમયે જ તેઓને લોહીની ઉલ્ટીઓ થઇ હતી. જેથી તેઓને સયાજી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા. મૃતક હોમગાર્ડ જવાનના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.