જ્યારથી પાકિસ્તાનનું નામ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતના સંભવિત મધ્યસ્થી તરીકે ઊભર્યું છે, ત્યારથી વિપક્ષોએ મોદી સરકાર પર સવાલો ઉઠાવવાના શરૂ કરી દીધા છે. આ ઘટનાને વિપક્ષોએ મોદી સરકારની કૂટનીતિક હાર ગણાવી છે. કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે ભારત મોકાનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યું અને પાકિસ્તાને આ મામલે સરસાઈ મેળવી લીધી. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે સતત સંપર્કમાં છે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના સંપર્કમાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 માર્ચે પીએમ મોદીને ફોન પણ કર્યો પરંતુ પાકિસ્તાનનું નામ પીસ ટૉકમાં આવવાની વાતને કેટલાક વિશેષજ્ઞો ભારત માટે ઝાટકા સમાન માની રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, પાકિસ્તાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને વાતચીત દ્વારા સમાપ્ત કરવાના ચાલી રહેલા પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થઈ શકે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શાહબાઝ શરીફના આ નિવેદનને ટ્રુથ સોશિયલ પર શૅર કર્યું હતું, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ અમેરિકા પણ પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ વાતચીત માટે તૈયાર છે.બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચેની સંભવિત વાટાઘાટો અંગે, એક ઈરાની રાજદ્વારીએ બીબીસી ન્યૂઝ ઉર્દૂને જણાવ્યું હતું કે આવી વાટાઘાટોની થોડીઘણી શક્યતા તો છે. ભારતની કૂટનીતિક ક્ષમતા અંગે ઉઠી રહેલા સવાલો વચ્ચે લોકસભામાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ 24 માર્ચ, મંગળવારના રોજ કહ્યું હતું કે, આ મુદ્દા પર ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે.
અમે શરૂઆતથી જ આ સંઘર્ષ પર અમારી ચિંતા વ્યક્ત કરી છે. મેં પશ્ચિમ એશિયાના તમામ નેતાઓ સાથે વાત કરી અને દરેકને તણાવ ઓછો કરવા અપીલ કરી છે. અમે ટ્રાન્સપૉર્ટ, ઊર્જા ક્ષેત્રો અને સામાન્ય નાગરિકો પર હુમલાઓનો વિરોધ કર્યો છે. મોદીએ મંગળવારે એ પણ માહિતી આપી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ફોન કર્યો હતો અને બંનેએ ખાડીદેશોમાં ચાલી રહેલા તણાવ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમણે શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. તજજ્ઞો માને છે કે ભારત માટે આ સંભવિત શાંતિ કરારથી દૂર રહેવું જ વધુ સારું છે. તેઓ કહે છે, ભારતના ઇઝરાયલ સાથે સારા સંબંધો છે જ્યારે પાકિસ્તાન અને ઇરાને ઇઝરાયલને માન્યતા પણ આપી નથી.
તજજ્ઞો માને છે કે, પાકિસ્તાન એ વિશ્વસનીય દેશ નથી. તેઓ કહે છે, પાકિસ્તાન અમેરિકા અને મુસ્લિમ બહુમતી ધરાવતા ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોને સરળ બનાવવા માંગે છે. એ જ સમયગાળામાં તે બીજા ઇસ્લામી દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. ઈરાને પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ છે અને ભારતે તેમાં સામેલ થવું જોઈએ નહીં. ઇઝરાયલ આ મામલે પાકિસ્તાનની દખલગીરીથી સહજ રહેશે નહીં. પાકિસ્તાને હંમેશા ઇઝરાયલ પ્રત્યે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તેણે ક્યારેય ઇઝરાયલને માન્યતા પણ આપી નથી. તેમણે કહ્યું કે આમ છતાં જો ઈરાન અત્યાર સુધી જે બાબતોનો ઇન્કાર કરતું આવ્યું છે તેને સ્વીકારી લે તો તેનું સ્વાગત થવું જોઈએ. પરંતુ આવું થતું દેખાઈ રહ્યું નથી.
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલના મતે ભૌગોલિક રીતે, પાકિસ્તાનને આ બાબતમાં ફાયદો છે. પરંતુ તેમણે કહ્યું કે પાકિસ્તાનનો સાઉદી અરેબિયા સાથે સુરક્ષા કરાર છે અને સાઉદી અરેબિયા ઇચ્છે છે કે અમેરિકા ઈરાન પર હુમલાઓ વધારે, જેથી ગલ્ફ ક્ષેત્રમાં ઈરાનની શક્તિ નબળી પડે અને તે હવે સાઉદી અરેબિયા માટે ખતરો ન બને. સિબ્બલ કહે છે કે પાકિસ્તાનને ડર છે કે સાઉદી અરેબિયા તેની સાથે કરેલા સુરક્ષા કરારને ક્યાંક લાગુ ન કરી દે. જો આમ થાય તો પાકિસ્તાન પણ અજાણતાં ઈરાન યુદ્ધમાં ખેંચાઈ શકે છે.