Editorial

કોવિડ સામેની હર્ડ ઇમ્યુનિટી હજી પણ ગૂંચવાડાભરી બાબત જ છે

દેશમાં અને દુનિયામાં જ્યારે નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો રોગચાળો હાહાકાર મચાવવા માંડ્યો હતો તે શરૂઆતના મહિનાઓમાં હર્ડ ઇમ્યુનિટીની પણ ઘણી ચર્ચા થઇ હતી. જો વાયરસ સામે અમુક વિસ્તારના આખા જનસમૂહમાં સામૂહિક પ્રતિકાર શક્તિ કેળવાઇ જાય તો પછી તે વાયરસનો ફેલાવો બહુ થતો નથી.

એમ માનવામાં આવે છે અને ભૂતકાળમાં વિવિધ રોગો માટે સમૂહની કે ટોળાની આવી પ્રતિકાર શક્તિ તે રોગોને નિષ્ફળ બનાવવામાં મહત્વની પણ પુરવાર થઇ છે પરંતુ હાલના કોરોનાવાયરસના રોગચાળા માટે આ હર્ડ ઇમ્યુનિટી હજી સુધી એક શંકાસ્પદ બાબત જ રહી છે. એક મત પ્રમાણે તો આ કોરોનાવાયરસ સામે હર્ડ ઇમ્યુનિટીની આખી વાત જ ભ્રામક છે.

અમુક રોગચાળો ફેલાયા પછી અમુક વિસ્તારોમાં સેરો સર્વે કરવામાં આવે છે જેમાં જે-તે વિસ્તારના લોકોમાં તે રોગના વિષાણુઓ સામે કેટલી એન્ટિબોડીઝ જન્મી તેનો અભ્યાસ કે સર્વે કરવામાં આવે છે.

દેશમાં આ પહેલા અનેક સિરો સર્વે થઇ ચુક્યા છે અને હાલમાં દિલ્હીમાં એક સિરો સર્વે કરવામાં આવ્યો છે જે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો સિરો સર્વે છે.  જાન્યુઆરીમાં દિલ્હીમાં કરવામાં આવેલા છેલ્લામાં છેલ્લા સિરોલોજીકલ સર્વેમાં જેમને આવરી લેવામાં આવ્યા હતા તેમાંથી પ૬.૧૩ ટકા લોકોમાં કોરોનાવાયરસ સામેની એન્ટિબોડીઝનું સર્જન થયું છે.

એમ જાણવા મળ્યું છે અને આના પરથી દિલ્હીના આરોગ્ય મંત્રી તો એવી આશા પણ વ્યક્ત કરી ચુક્યા કે દિલ્હીના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી જન્મી ચુકી છે. જો કે નિષ્ણાતો કહે છે કે આ બાબતમાં ઉતાવળે અભિપ્રાય બાંધી લેવાનું જોખમી છે.

દિલ્હીના આરોગ્ય મંત્રીએ આ સિરો સર્વે પછી જણાવ્યું હતું કે દિલ્હી હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ફક્ત નિષ્ણાતો જ આ બાબતે એક સ્પષ્ટ ચિત્ર આપવા સક્ષમ છે. આ પાંચમો સિરો સર્વે – કે જે દેશમાં અત્યાર સુધીનો આ પ્રકારનો સૌથી મોટો સર્વે છે.

તે ૧૫ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યો હતો એમ તેમણે જણાવ્યું હતું. આમાં દક્ષિણપશ્ચિમ દિલ્હી જિલ્લામાં ૬૨.૧૮ ટકાની સાથે સૌથી વધુ લોકોમાં સિરોપ્રવર્તન જોવા મળ્યું છે જ્યારે ૪૯.૦૯ ટકા સાથે ઉત્તર દિલ્હીમાં સૌથી ઓછા લોકોમાં આ એન્ટિબોડિઝનું પ્રમાણ જણાયું છે એ મુજબ તેમણે જણાવ્યું હતું.

સર્વે દરમ્યાન, એક નવી બહેતર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરેક વોર્ડમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. કુલ મળીને ૨૮૦૦૦ નમૂનાઓ લેવામાં આવ્યા હતા એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે કેસો, મૃત્યુઓ અને હોસ્પિટલમાં દાખલ થનારાઓનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયું છે, પરંતુ તેમણે એ બાબત પર ભાર મૂક્યો હતો કે લોકોએ હજી વધુ કેટલાક મહિનાઓ સુધી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવો જોઇએ અને કોવિડ-૧૯ને અનુરૂપ વર્તણૂક ચાલુ રાખવી જોઇએ.

જો કે દિલ્હીએ કોવિડ-૧૯ સામે સામૂહિક પ્રતિકાર શક્તિ અથવા તો હર્ડ ઇમ્યુનિટી કેળવી લીધી હોવાની વાત માનવાની બાબતમાં સાવધાની સાથે આગળ વધવું જોઇએ એ મુજબ વૈજ્ઞાનિકોનો અભિપ્રાય છે.

આ સિરો સર્વેના તારણો રોગના ફેલાવાના દરને સમજવામાં મદદરૂપ છે પરંતુ આ બાબતને સાવચેતીઓ સાથે લેવાની જરૂર છે એમ ઇમ્યુનોલોજિસ્ટ સતીશ દેવદાસે જણાવ્યું હતું. સેમ્પલોની સાઇઝ પ્રમાણમાં નાની છે પરંતુ તે ગણતરીમાં લેવાવા જ જોઇએ. જો કે હર્ડ ઇમ્યુનિટીની બાબતને સાવધાની સાથે લેવાની જરૂર છે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય પણ કેટલાક વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ જણાવ્યું છે કે હર્ડ ઇમ્યુનિટી વાયરસના ફેલાવાની ચેઇન તોડી શકે છે પરંતુ આ બાબતને સાવધાનીપૂર્વક લેવાની જરૂર છે. ભય હજી પણ દૂર થયો નથી એમ ઘણા નિષ્ણાતો કહે છે. નિષ્ણાતો જે સાવધાનીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે તે યોગ્ય જ છે કારણ કે આ પહેલા થયેલા અન્ય સિરો સર્વે પછી પણ અનેક વિસ્તારોમાં કોવિડનો રોગચાળો જોરમાં જ રહ્યો હતો.

અને વળી દુનિયામાં એવા અનેક બનાવો બની ચુક્યા છે કે એક વાર જેને કોવિડ-૧૯ થઇ ચુ્ક્યો હોય તેને થોડા જ મહિનામાં બીજી વખત પણ આ રોગ થયો હોય.આથી કોવિડ-૧૯ની સામેની એન્ટિબોડિઝ કેટલી ટકે છે તેની પણ કોઇ સ્પષ્ટતા હજી મળી શકતી નથી તેથી હર્ડ ઇમ્યુનિટીની બાબત પણ હજી ગૂંચવાડાભરી બાબત જ બની રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top